ગાંધીનગરઃ હાલમાં જ અમદાવાદના બોપલ પોલીસ મથકે નોંધાયેલી MICAના વિદ્યાર્થીની હત્યામાં કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા ભારે ઉહાપોહ મચ્યો છે. ગુજરાત પોલીસમાં એવા ઘણા ઉદાહરણો છે જે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓની કામગીરીને રોજ બિરદાવો તો પણ ઓછું પડે છતાં આવા કેટલાક કેસ અને બનાવ સામે આવતા હોય છે જેના કારણ છબીને નુકસાન થતું હોય છે. હાલમાં બનેલી આ ઘટનાથી આવા ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ દુઃખી થયા હતા જ્યારે તેમની ખાખી પહેરનારો કર્મચારી આવા કામમાં સંડોવાયાનું સામે આવ્યું. ખુદ વિકાસ સહાયના નામને પણ લોકોમાં એક આદરથી લેવામાં આવે છે અને જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ પણ દુઃખી જોવા મળ્યા હતા. તેમણે આજે આ મામલે ગુજરાત પોલીસને સંબોધીને વાત કરી હતી.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કરાઈ ખાતેથી આજે કે. યુ બેન્ડ મારફતે કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં બોપલ ઘટનાનો સંદર્ભ આપીને તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
વિકાસ સહાયે સૂચના આપી છે કે, રાજ્યની કોઈપણ પોલીસ આવું કોઈ પણ ગુનાહિત કૃત્ય કરશે અથવા તેમની સંડોવણી પણ ધ્યાને આવશે તો તેને ચલાવી લેવામાં નહીં આવે. રાજ્યના નાગરિકો જે નામને સન્માન આપી રહ્યા છે તેવા 'ગુજરાત પોલીસ'નું નામ બદનામ થાય તેવું કોઈ પણ કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવશે તો તેની સામે આકરી કાર્યવાહી થશે. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસ સંકળાયેલી હશે તો તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક પગલાં લેવાશે.