વલસાડ: ચોમાસા દરમિયાન પાણી જન્ય રોગો અને વાહક જન્ય રોગોનો પ્રકોપ વધી જાય છે. મચ્છરોથી થતા વાહક જન્ય રોગોનો આજકાલ વધારો થયો છે. જિલ્લામાં અનેક સરકારી હોય કે ખાનગી દવાખાના બધી જગ્યાએ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ગ્રામીણ કક્ષાએ વાઇરલ ફીવર અને મેલેરિયા જેવા કેસોના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ચેપી રોગોને કારણે અનેક લોકો તાવમાં સપડાઈ રહ્યા છે.
વલસાડ જિલ્લાના આંકડા ઉપર એક નજર: વલસાડ જિલ્લાના આંકડા ઉપર એક નજર કરીએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં 6 તાલુકાઓ મળીને ડેન્ગ્યુના કુલ 37 જેટલા કેસો નોંધાયા છે. મેલેરિયાના 9 કેસ સામે આવ્યા છે, જ્યારે જિલ્લામાં ચિકનગુનિયાનો પણ 1 કેસ નોંધાયો છે. ઉપરોક્ત આંકડા તો માત્ર સરકારી હોસ્પિટલના છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ છે તો આ સંખ્યા વધી પણ શકે છે.
માદા એડીસ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ ફેલાય છે: તમને જણાવી દઈએ કે, ડેન્ગ્યુ રોગ ચેપગ્રસ્ત માદા એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. જેમાં મુખ્યત્વે એડીસ એજીપ્ટી અને એડીસ આલ્બોપિક્ટસનો સમાવેશ થાય છે. આ મચ્છર સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. જ્યાં પાણી વધુ એકત્રિત થતું હોય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ વધુ થાય છે.
ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે:
- મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે છે: જ્યારે એડીસ મચ્છર ડેન્ગ્યુથી સંક્રમિત વ્યક્તિને કરડે છે ત્યારે તે વાયરસને ગ્રહણ કરે છે.
- વાયરસ મચ્છરમાં રહે છે: વાયરસ મચ્છરના શરીરમાં 8-10 દિવસ સુધી રહે છે.
- મચ્છર અન્ય વ્યક્તિને કરડે છે: જ્યારે ચેપગ્રસ્ત મચ્છર અન્ય વ્યક્તિને કરડે છે ત્યારે તે વાયરસને તેમના લોહીના પ્રવાહમાં દાખલ કરે છે.
- વાયરસ ચેપનું કારણ બને છે: વાયરસ નવા હોસ્ટમાં ડેન્ગ્યુ ચેપનું કારણ બને છે.
સ્થાયી પાણી: એડીસ મચ્છર એકત્ર થયેલા પાણીમાં ઉછરે છે. જેમ કે ફ્લાવરપોટ્સ, ડોલ અને ભરાયેલા ગટર. શહેરી વિસ્તારમાં વસ્તીની ગીચતા અને નબળા કચરાના વ્યવસ્થાપનને કારણે શહેરી વિસ્તારોમાં ડેન્ગ્યુ ઝડપથી ફેલાય છે. વાઇરસ જન્ય ચેપી રોગ હોવાથી તે મચ્છરોથી વધુ ફેલાય છે.
રોગપ્રતિકારક શક્તિનો અભાવ: જે લોકોને અગાઉ ડેન્ગ્યુનો ચેપ લાગ્યો ન હોય અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા દર્દી વાયરસ માટે વધુ સંવેદનશીલ હોય છે. તેઓને ડેન્ગ્યુનો વાઇરસ જલ્દી જકડી લે છે. પરિણામે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ હોવી એ ખૂબ જરૂરી છે.
તો કયા પગલાં લેવાથી આ રોગ સમસ્યાનું નિવારણ થઈ શકે છે ?
મચ્છર નિયંત્રણ: સૌ પ્રથમ એકત્ર થયેલા પાણીને દૂર કરો, મચ્છરદાનીનો ઉપયોગ કરો અને જંતુનાશકોનો ઉપયોગ કરો.
વ્યક્તિગત સુરક્ષા: રક્ષણાત્મક વસ્ત્રો પહેરો, જંતુ ભગાડવાની દવાઓ લાગુ કરો અને મચ્છરના પીક અવર્સ દરમિયાન ઘરની અંદર રહો.
રસીકરણ: ડેન્ગ્યુની રસી કેટલાક દેશોમાં એવા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ અગાઉ ડેન્ગ્યુથી સંક્રમિત થયા હોય.
એક નજર આંતરાષ્ટ્રીય આંકડા ઉપર: સમગ્ર વિશ્વમાં દર વર્ષે 390 મિલિયન લોકો ડેન્ગ્યુનો ભોગ બને છે. 22,000 લોકો ડેન્ગ્યુથી દર વર્ષે મોતને ભેટે છે, જ્યારે વિશ્વના 125 દેશોમાં ડેન્ગ્યુની અસર હજુ પણ જોવા મળે છે જેના કારણે અનેક લોકોના મોત દર વર્ષે નીપજતા હોય છે.
નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોન્ડ ડીસીઝ કંટ્રોલ દ્વારા ગુજરાતના છેલ્લા પાંચ વર્ષના ડેન્ગ્યુ કેસના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. ચાલો જાણીએ.
3 દિવસથી ડેન્ગ્યુની સારવાર લઈ રહેલી 23 વર્ષીય યુવતીનું મોત: વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા મિશ્રા પરિવારની 23 વર્ષીય દીકરી અર્પણા છેલ્લા ત્રણ દિવસથી ડેન્ગ્યુની બીમારીથી પીડિત હતી અને સારવાર લઈ રહી હતી. વલસાડની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ અચાનક જ એના પ્લેટલેટ ઘટી જતા મલ્ટી ઓર્ગન ફેલિયરનો તે શિકાર બની હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા લોહીના નમુના લેવાયા: ડેન્ગ્યુ અને સિઝનલ બીમારીનો પ્રકોપ વધતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સેમ્પલો લેવાની કામગીરી શરૂ કરાય છે. જેમાં અત્યાર સુધીમાં મેલેરિયાના કેસ નોંધાતા 275056 લોહીના નમુના લેવામાં આવ્યા છે, જેમાં મેલેરિયાના નવ કેસ સામે આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુમાં અત્યાર સુધીમાં 1,327 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં કુલ 37 જેટલા ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે. 188 જેટલા સેમ્પલો ચેક કરતા એક કેસ ચિકનગુનિયાનો સામે આવ્યો છે. પરિણામે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળો ઉપર તકેદારીની કામગીરી પણ શરૂ કરાઇ છે.
આ પણ વાંચો: