પોરબંદર: જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વહેલી સવારથી તંત્રની ટીમો દ્વારા પોલીસને સાથે રાખી ઓડદર પાસે આવેલ પાંચ જેટલા ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ઓડદર પાસે આવેલા દરીયા કિનારા વિસ્તારમાં બનાવેલ 5 જેટલા ફાર્મ હાઉસમાં દબાણો દૂર કરવામાં આવ્યા.
'અન્ય સ્થળો એ પણ સરકારી જમીનો પર દબાણો દૂર કરવાની કાર્યવાહી વેગવંતી કરવામાં આવશે' પ્રાંત અધિકારી, પોરબંદર
200 વીઘા જમીનનું ડિમોલેશન: પોરબંદરના પ્રાંત અધિકારી ચિરાગ જાદવએ જણાવતા કહ્યું હતું કે, પોરબંદરમાં અલગ અલગ સ્થળોએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદરના ઓડદર ગામે દરિયા કિનારે પાસે ટીઆર રોડનો ભંગ કરનારની અંદાજિત 200 વીઘા જમીનમાં ડિમોલેશન કરવાનું હાથ ધરવામાં આવ્યું છે. અંદાજિત પાંચ જેટલા ફાર્મ હાઉસમાં બનાવેલ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ કામગીરીમાં વહીવટી તંત્રની ત્રણ ટીમો અને 40 જેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણ આદિકરીને સાથે રાખી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર આગામી સમયમાં પણ આ પ્રકારની દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. આથી પોરબંદર જિલ્લામાં જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણ હશે ત્યાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.