બનાસકાંઠા : અંબાજી સ્થિત 51 શક્તિપીઠના મંદિરમાં રાજભોગનો થાળ બંધ હોવા બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ, સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન અને પરશુરામ પરિવારના પ્રમુખે પણ રજૂઆત કરી છે. જ્યારે ફરી એકવાર રાજભોગ ચાલુ કરવાની માંગ હાલના તબક્કે પ્રબળ બની છે. આ બાબતે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ માહિતી આપતા જણાવ્યું કે, આ મામલે અમારી વિચારણા ચાલી રહી છે.
51 શક્તિપીઠોમાં ધરાતો રાજભોગ : રાજભોગ ચાલુ કરવાની માંગને લઈને અંબાજીના સ્થાનિક આગેવાન સુનિલ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, કોરોના પહેલા 51 શક્તિપીઠના મંદિરમાં રાજભોગ ધરાવવામાં આવતો હતો. શાસ્ત્રોમાં લખેલું છે તે પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલ મૂર્તિઓને ફરજિયાત બપોરે રાજભોગ થાળ ધરાવવો જોઈએ. તંત્ર આ બાબત ધ્યાને લઈને રાજભોગ ધરાવે. આ 51 શક્તિપીઠો સહિત વિવિધ મંદિરનું સંચાલન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કરી રહ્યું છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠોના મંદિરમાં રાજભોગ ચાલુ કરાય તેવી માંગ કરી છે.
શ્રદ્ધાળુઓની માંગ : આ મામલે અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ તુલસી જોષીએ જણાવ્યું કે, કોરોના પહેલા 51 શક્તિપીઠોમાં રાજભોગ ધરાવવામાં આવતો હતો. કોરોનાને લઈ રાજભોગ ધરાવવાનો બંધ કર્યો ત્યારથી આજ દિન સુધી રાજભોગ ધરાવવાનું ચાલુ કર્યું નથી. જે મામલે સમસ્ત બ્રહ્મ સમાજ, પરશુરામ પરિવાર અને કોંગ્રેસ સમિતિ દ્વારા કરેલ રજૂઆતને આજ સુધી ધ્યાને લેવાય નથી. હવે નવા આવેલા કાયમી વહીવટદાર આ મામલો ધ્યાન લે અને 51 શક્તિપીઠોમાં રાજભોગ ચાલુ કરે તેવી અમારી માંગ છે.
તંત્ર પર ગંભીર આરોપ : અંબાજી પરશુરામ પરિવારના પ્રમુખ દિનેશ મહેતાએ જણાવ્યું કે, શાસ્ત્રોમાં લખેલું છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલી મૂર્તિને ભૂખી ન રાખી શકાય, તો કેમ 51 શક્તિપીઠોમાં રાજભોગ ધરવામાં આવતો નથી. પહેલા સુખડી ધરવામાં આવતી હતી પણ એવું કંઈ છે જ નહીં. અગાઉ રાજભોગ ચાલુ કરવા સીએમ અને રાજનેતા સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી છે. તેમ છતાં આજદિન સુધી રાજભોગ ફરી ચાલુ થયો નથી. જો આ સરકારના રાજમાં માતાજી જ ભૂખ્યા રહેતા હશે તો બીજું તો શું થતું હશે તે પણ વિચારવા જેવું ખરું.
વહીવટી તંત્રનો ખુલાસો : આ મામલે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, અનેક લોકોની જે રજૂઆત આવી છે તે બાબતે હાલ મારી વિચારણા ચાલુ છે. આ મામલે પૂર્ણ અભ્યાસ કરી અને સિસ્ટમેટિક ચાલુ થાય તેવા પ્રયાસો કરીશું.