રાજકોટ: ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિનું કેટલાક ગામડાઓમાં નિર્માણ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજ્ય સરકારના નિર્દેશાનુસાર રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર અત્યાર સુધીમાં 108 જેટલા ગામોમાં સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે.
ખેતીમાં નુકસાનીથી ચિંતાઃ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે 108 ગામોમાં સર્વે પુરો થઈ ગયો છે અને 6,845 હેક્ટરમાં 33% થી વધુ પાક નિષ્ફળ નિવડ્યો હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોને અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ રાજકોટ જિલ્લામાં 57 જેટલી ટીમો સર્વેની કામગીરીમાં જોડાઈ છે. અત્યારે અત્યાર સુધીમાં કપાસ, મરચાં, તુવેર, મગફળી સહિતના પાકોમાં નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટ તાલુકા પંચાયતના કસ્તુરબા ધામના સદસ્ય નિશિત ખુંટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને અતિભારે વરસાદના કારણે થયેલી નુકસાની બાબતે તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. નિશિત ખૂંટ સહિતના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાક નુકસાની બાબતે સર્વેની કામગીરી ગોકળગતીએ ચાલતી હોવાનું જણાવ્યું છે. જો આ પ્રમાણે જ ગોકળગતિએ પાક નુકસાની બાબતે સર્વે ચાલુ રહેશે તો સર્વેની કામગીરી સંગ્રહ જિલ્લામાં પૂર્ણ થતા અંદાજિત છ મહિના જેટલો સમય વીતી જશે તેવી પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.