ભાવનગર: શહેરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીને 2022થી આજદિન સુધી કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવી નથી. કુલપતિના પદ ઉપર ઇન્ચાર્જ કુલપતિ નિમવામાં આવી રહ્યા છે, જેને પગલે પૂર્વ સેનેટ સભ્ય અને NSUIમાં નેતા રહી ચૂકેલા મેહબૂબ બ્લોચે ફરી કાયમી કુલપતિ માટે માંગ કરી છે. જોકે સરકારમાં અગાઉ પણ લેખિત રજૂઆત કરીને કાયમી કુલપતિને મુકવા માંગ કરાયેલી છે ત્યારે ફરી કુલપતિ માટે સરકારને વિનંતી કરી રહ્યા છે.
ઇન્ચાર્જ કુલપતિથી ગબડાવાતું ગાડું: ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં હાલમાં ઇન્ચાર્જ તરીકે એમ.એમ. ત્રિવેદી કુલપતિ પદ ઉપર બિરાજમાન છે. જોકે 2022થી લઈને 2024ના ગાળા દરમ્યાન ઇન્ચાર્જ કુલપતિ તરીકે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના મોટાભાઈ ગીરીશભાઈ વાઘાણી પણ ઇન્ચાર્જ પદે રહી ચૂક્યા છે. ત્યારબાદ એમ.એમ. ત્રિવેદી આવ્યા પછી યુનિવર્સિટીનું ગાડું ઇન્ચાર્જ કુલપતિથી જ ગબડાવવામાં આવી રહ્યું છે. માંગ વારંવાર થતી આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી.
પૂર્વ સેનેટ સભ્યે ફરી કરી કાયમી કુલપતિની માંગ: પૂર્વ સેનેટ સભ્ય અને વિદ્યાર્થી નેતા રહેલા મહેબૂબ બ્લોચએ જણાવ્યું હતું કે, જ્યારે માર્ચ 2022માં કુલપતિની મુદત પૂર્ણ થઈ ત્યાર પછી, છ જ મહિનાની અંદર અમે સરકારમાં અને યુનિવર્સીટીમાં રજૂઆત કરેલી અને ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં તાત્કાલિક ધોરણે કાયમી કુલપતિ મુકવા રજૂઆત કરી હતી. આ રજૂઆત એ માટે કરવામાં આવી હતી કે, હાલના પદધારક રૂટિન કામગીરી સિવાય જનરલ કેસમાં કંઈ કરતા હોતા નથી. જેના કારણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના જે સી ગ્રેડમાં યુનિવર્સિટી નેટ દ્વારા પ્રાપ્ત થયેલો છે પરિણામે સી ગ્રેડમાંથી ઉપર આવવા માટે પ્રયત્ન કરે છે પરંતુ છતાં ભરતીથી મળીને શૈક્ષણિક સ્ટાફની ભરતીઓ પણ થઈ શકી નથી.
કાયમી કુલપતિના હોવાથી કેવા કામ અટકે: પૂર્વ સેનેટ સભ્ય રહેલા મેહબુબભાઈએ જણાવ્યું હતું કે, "તમને સૌથી મોટો દાખલો કહીએ તો એમ જે કોલેજ, જેવા કે, શામળદાસ કોલેજ, સર પી પી સાયન્સ કોલેજમાં આશરે 96 જેટલા ટીચિંગ સ્ટાફની ભરતીઓ બાકી છે. હવે ટીચિંગ સ્ટાફ જે યુનિવર્સિટી પાસે ન હોય એમને નેટનો ગ્રેડ કેવી રીતે સુધારાનો મોકો મળે. આ ઉપરાંત નાણાકીય બાબતોમાં પણ ઘણી બધી જગ્યાએ કાયમી કુલપતિ ન હોવાના કારણે મર્યાદાઓ નડતી હોય છે. એટલે ભાવનગરના કોઈ વ્યક્તિને કુલપતિ તરીકે સરકાર બેસાડે, ઉપરાંત આ ભૂગોળથી વાકેફ થયેલો માણસ આવશે તો ખાડામાં ગયેલી યુનિવર્સિટીને બહાર લાવી શકાશે. એટલે ભાવનગરી તરીકે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે, તાત્કાલિક જેટલું બને એટલું ઝડપથી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીને કાયમી કુલપતિ આપે."