ખેડા: વડતાલ પોલિસ સ્ટેશનમાં હરિભક્તો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા વિવાદ વધુ વકર્યો છે. હરિભક્તો વિરૂદ્ધની ખોટી ફરિયાદ રદ્દ નહી કરાય તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ હરિભક્તો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ખોટા કૃત્યોને છાવરવા ખોટી ફરિયાદ કરાઈ: હરિભક્તો વિરૂદ્ધ નોંધાયેલી પોલિસ ફરિયાદ રદ્દ કરવા હરિભક્તો દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હરિભક્તો દ્વારા સૂત્રોચ્ચાર કરી, ધૂન બોલાવી દેખાવો કરાયો હતો. કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ફરિયાદ કરનાર ફરિયાદી જે તે સમયે હાજર નહી હોવાનું જણાવાયુ હતું. અન્યાય સામેના અવાજને દબાવી દેવા અને પોતાના ખોટા કૃત્યોને છાવરવા રૂપિયાના જોરે ખોટી પોલિસ ફરિયાદ નોંધાવી હરિભક્તોને હેરાન કરવાનો આક્ષેપ કરાયો હતો. તેમજ વડતાલ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ અને કાયદા કે શાંતિનો ભંગ થાય તેવો કોઈ પણ બનાવ ન બનેલ હોવાની રજૂઆત કરી ફરિયાદ રદ્દ કરવાની માંગ કરી હતી. તેમજ જો ફરિયાદ રદ્દ નહી કરાય તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
13 હરિભક્તો સામે નોંધાવાઈ હતી ફરિયાદ: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની વિવિધ ઘટનાઓને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પ્રત્યે હરિભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. વડોદરાના વાડી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવા પામી હતી. તેમજ અન્ય એક સંતની લંપટ લીલાનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો. જેને કારણે આવા સંતો પ્રત્યે હરિભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
સંતોના શરમજનક કૃત્યોને લઈ આક્રોશિત હરિભક્તો રાજ્યભરમાંથી વડતાલ ખાતે પહોંચ્યા હતા. અલગ અલગ સ્થળોએથી આવેલા આગેવાન હરિભક્તોએ "લંપટ સાધુને ભગાવો - સંપ્રદાય બચાવો" સહિતના વિવિધ બેનર દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેને લઈ વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં સેવા કરતા નરેન્દ્રભાઈ પટેલ દ્વારા વડતાલ પોલિસ સ્ટેશનમાં 13 હરિભક્તો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હરિભક્તો સામે મંદિરનું વાતાવરણ બગાડવાનો અને મારામારી કરવાનો આક્ષેપ કરી આ ફરિયાદ નોંધાવાઈ હતી.