પાટણ : શહેરમાં સ્થિત એક બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે બંનેના મૃતદેહોનો કબજો લઈને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ઉત્તરપ્રદેશનો અને યુવતી પાટણની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવક-યુવતીનો મૃતદેહ : મળતી માહિતી અનુસાર પાટણ શહેરના દેવદર્શન કોમ્પલેક્સમાં જે. ડી. બોયઝ હોસ્ટેલ ચાલે છે. જેના એક રૂમમાંથી ગઇકાલે યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. યુવક પંખા પર લટકતો મળી આવ્યો, જ્યારે યુવતી બેડ પરથી મૃત હાલતમાં મળી આવી હતી.
બોયઝ હોસ્ટેલમાં મળ્યો મૃતદેહ : આ બનાવ અંગે હોસ્ટેલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી યુવક અને યુવતીના મૃતદેહનો કબજો લીધો હતો. બાદમાં બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. ઉપરાંત પોલીસ દ્વારા બંને મૃતકોના ઓળખપત્ર કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સજોડે આત્મહત્યા કે હત્યા ? પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ઉત્તરપ્રદેશનો રહેવાસી, જ્યારે યુવતી પાટણ શહેરની જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બંને મૃતક પાસેથી મોબાઈલ પણ મળી આવ્યા છે, જેને પોલીસે કબજામાં લીધો છે. પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ સજોડે આત્મહત્યાનો છે કે હત્યાનો અથવા અન્ય કોઈ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.