સુરત : ઘરની આર્થિક સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પરિવારને સપોર્ટ કરવા દીકરીઓ હંમેશા કંઈક મોટું કાર્ય કરી પરિવારને ગર્વ અપાવે છે. ગુજરાતની બે દીકરીઓએ કંઈક આવું જ કર્યું છે. ઝેબા દૂધવાલાના પિતા સુથાર છે, તો મિસબા પઠાણના પિતા શાકભાજી વિક્રેતા છે, પરંતુ આ દીકરીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાર્ષિક પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
પ્રેરણાદાયી કિસ્સો : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 55 માં વાર્ષિક પદવીદાન સમારોહમાં સામાન્ય પરિવારની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી વિકટ પરિસ્થિતિમાં પણ ભણી શકાય તે માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઝેબા દૂધવાલા અને મિસબા પઠાણે સાબિત કરી બતાવ્યું કે જો ભણવાની ધગશ હોય તો કોઈ પણ પ્રકારના પડકાર સામે સફળતા મેળવી શકાય છે. આ બન્ને દીકરીઓ મુસ્લિમ સમાજની છે અને ખૂબ જ સામાન્ય પરિવારથી આવે છે. તેમના માતા-પિતા પણ સામાન્ય ભણતર ધરાવે છે.
ઝૂઝારુ 'ઝેબા' દૂધવાલા : ભરૂચની VCT મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજી વિષય સાથે B.A નો અભ્યાસ કરતી ઝેબા દૂધવાલાએ સૌથી વધુ અંક મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ઝેબાના પિતા સુધારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરમાં કુલ પાંચ સદસ્યો છે. ભલે માતા-પિતા ઓછું ભણેલા હોય પરંતુ પોતાની દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવા માટે તેઓ દિવસ-રાત મહેનત કરે છે. તેમની આશા અપેક્ષાને ઝેબા દૂધવાલાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સાર્થક કરી છે.
પિતાની શિક્ષા થકી મળી સફળતા : ઝેબા દૂધવાલા જણાવે છે કે, નાનપણથી જ મારા માતા-પિતા મને ભણવા માટે પ્રેરણા આપતા અને હંમેશા મને પ્રોત્સાહિત કરતા હતા. મને હંમેશા પ્રતિબંધને અવસરમાં ફેરવવાની પ્રેરણા આપી. મને અંગ્રેજી કોલેજમાં એડમિશન અપાવ્યું, અંગ્રેજી કોલેજમાં ભાષાની બીક લાગતી હતી. આ ભાષા મારી કમજોરી હતી, પરંતુ આજે મહેનત અને હિંમતથી હું ગોલ્ડ મેડલ મેળવી શકી છું. મારા પિતાએ ક્યારે પણ હાર ન માનવાની શિક્ષા આપી છે.
લક્ષ્ય માટે મક્કમ 'મિસબા' : મિસબા પઠાણની વાત કરવામાં આવે તો તે પણ ભરૂચની રહેવાસી છે. મિસબા શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સાયકોલોજી વિષય સાથે B.A નો અભ્યાસ કરી સૌથી વધુ સીજીપીએ મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મધ્યમ વર્ગીય પરિવારથી આવતી મિસબાના પિતા શાકભાજી વેચાણ કરે છે. પરિવારમાં છ લોકો રહે છે. મિસબાના જણાવ્યા અનુસાર પરિવાર અને ખાસ કરીને પિતાના સહયોગથી આજે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
માતા-પિતાની ઈચ્છા પ્રેરણાસ્ત્રોત : મિસબા પઠાણે જણાવ્યું હતું કે, મારા પિતા અને માતા ખૂબ જ ઓછું ભણ્યા છે, પરંતુ તેમની ઈચ્છા હતી કે હું ખૂબ ભણું. આ કારણ છે કે ભણવામાં હું ક્યારે પણ કોઈ કસર છોડતી નહોતી. મારા પિતા ખૂબ જ મહેનત કરે છે. તેઓ શાકભાજી વેચાણ કરે છે, પરિવારમાં છ લોકો છે અને તમામની જવાબદારી પિતા ઉપર છે. તેઓ અવિરત અમને સહયોગ આપતા હોય છે. તેમની મદદ હું કરી શકું અને તે માટે યોગ્ય બની શકું આ માટે અભ્યાસ કરતી હતી. જોકે પારિવારિક કારણોસર હું એક મહિના માટે સાઉદી અરબ ગઈ હતી. પરંતુ ત્યાંથી આવ્યા બાદ મારા કોલેજના પ્રોફેસરએ મને યોગ્ય માર્ગદર્શન આપ્યું, જેના કારણે હું આ ગોલ્ડ મેડલ મેળવી શકી છું.