મહેસાણા : નંદાસણ નજીક આવેલી જૂની શેઢાવી ગામની પ્રાથમિક શાળાના બાળકો જોખમ તળે ભણી રહ્યા છે. જૂની શેઢારી ગામની આ પ્રાથમિક શાળાના સાત ઓરડાને ડેમેજ સર્ટિફિકેટ એક વર્ષ પહેલા આપી દેવાયું છે, એટલે કે આ ઓરડાઓ વાપરવા લાયક નથી. છતાં છેલ્લા એક વર્ષથી આ ઓરડાનો ઉપયોગ થઈ રહ્યો છે અને આગળ પણ ઉપયોગ કરવો જ પડે એવી સ્થિતિ છે. કારણ કે, નવા ઓરડા બન્યા નથી તો ક્યાંથી બાળકોને બીજા ઓરડામાં બેસાડવા એ પ્રશ્ન ઊભો થાય છે.
શાળાની કફોડી સ્થિતિ : જૂની શેઢાવીની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના 208 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી ધોરણ 1 થી 5 ના બાળકોને જે ઓરડામાં ભણાવવામાં આવી રહ્યા છે, તે ઓરડાની છત તૂટેલી છે. આ તૂટેલી છતમાંથી વરસાદ પડતા જ પાણી ઓરડામાં પડે છે. જેના કારણે ચાલુ અભ્યાસે ઓરડો ખાલી કરવાની ફરજ પડે છે. તો ઘણીવાર વધુ વરસાદ હોય તો વાલીઓ પણ બાળકોને ઘરે પરત લઈ જાય છે.
જોખમી ઓરડામાં ભણતા બાળકો : શાળાના ઓરડા નવા બનાવવા માટે એક વર્ષથી માંગણી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી નવા ઓરડા બની શક્યા નથી. ચોમાસાની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને હાલાકી પડતા જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્થળ પર પહોંચી શાળાના ઓરડાઓની રૂબરૂ ચકાસણી કરી હતી. શિક્ષણાધિકારી જણાવ્યું કે, નવા ઓરડાઓ બનાવવા માંગણી કરી દેવામાં આવી છે, પરંતુ ઉપરથી ટેન્ડરીંગ પ્રક્રિયા થાય પછી નવા ઓરડાઓ બનશે. ત્યાં સુધી અહીં ધોરણ 1 થી 8 ના બાળકોને પાળી સિસ્ટમથી અભ્યાસ કરાવવા સૂચના આપવામાં આવી છે.
ચોમાસામાં ટપકતા પાણીનો ત્રાસ : એક તરફ ભારતના ભવિષ્ય ગણાતા આ બાળકો અભ્યાસ કરવા માંગે છે, પરંતુ જે જગ્યાએ અભ્યાસ કરવો છે તે ઓરડાની જ હાલત કફોડી છે. જેના કારણે ક્યાંક વર્ગખંડમાં બાળકો વચ્ચે ડોલ અને ટબ મૂકી ઉપરથી પડતા પાણીને કારણે અભ્યાસ ન બગડે એવો પ્રયાસ કરવામાં આવે છે. અમુક ઓરડામાં પાણી પડતું હોય તેનાથી દૂર એટલે કે, બાકીના ઓરડાની જગ્યામાં શિક્ષકોએ બાળકોને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. તો ઘણીવાર અલગ અલગ ધોરણના બાળકોને એક સાથે એક ઓરડામાં ભણાવવાની પણ ફરજ પડે છે.