ડાંગ: ચાણક્યના ખૂબ પ્રસિદ્ધ વાક્ય ‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા’ ને ડાંગ જિલ્લાના શિક્ષિકા બીજુબાલા પટેલે સાર્થક કર્યું છે, અને ડાંગ જિલ્લાને અનોખુ ગૌરવ પ્રદાન કર્યું છે. ડાંગ જિલ્લા શિક્ષણ જગતની તારીખ અને તવારીખમાં વધુ એક ‘સુવર્ણ પૃષ્ઠ’ ઉમેરાતા, બીજુબાલા પટેલને ડાંગના 64 વર્ષોના શિક્ષણ વિભાગના ઇતિહાસમાં, એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રના વિભાજન બાદ, સને 1960થી અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત માધ્યમિક વિભાગમાં ‘રાજ્ય પારિતોષિક’ નું સન્માન પ્રાપ્ત થયું છે.
શિક્ષિકા બીજુબાલા પટેલ: ‘ગુર્રુ બ્રહ્મા ગુર્રુ વિષ્ણુ ...’ ની ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં શિક્ષક્ને મળતો એક અલગ દરજ્જો છે. શિક્ષક પોતાના વ્યક્તિત્વના નિખાર સાથે, સમાજ ઉપર પણ ખૂબ ઊંડી છાપ છોડતો હોય છે. ત્યારે ડાંગ જિલ્લાને રાજ્ય કક્ષાનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ અપાવનારા, માધ્યમિક વિભાગના શિક્ષિકા બીજુબાલા પટેલની અહી સુધીની સફર ઉપર એક નજર કરીએ જે પ્રાસંગિક લેખાશે.
શિક્ષિકા બીજુબાલા પટેલની સફર: સને 2008થી પોતાની શિક્ષિકા તરીકેની કારકિર્દીની શરૂઆત કરનારા બીજુબાલા અમૃતલાલ પટેલે તેમની 15 વર્ષ ઉપરાંતની કારકિર્દીમાં ગુણોત્સવ જેવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારતા અનેક કાર્યક્રમોમાં બાળકોની અભિરુચિ વધારવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. સાથે સાથે તેઓ ગણિત-વિજ્ઞાન મંડળના કન્વીનર હોવાને નાતે વિજ્ઞાન પ્રયોગ શાળામાં હાથ ધરાતા પ્રાયોગિક કાર્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇકો કલબ અને પર્યાવરણીય કાર્યક્રમો, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન મેળા સહિત સ્વચ્છ્તા અને શૈક્ષણિક પ્રવાસ જેવા વૈવિધ્યસભર કાર્યક્રમોમાં ખૂબ ઉત્સાહ સાથે ભાગ લઈ આ મુકામ સુધી પહોંચ્યા છે.
‘અટલ રોબોટિક લેબ’ માટે તેમના અથાગ પ્રયત્નો: આ દરમિયાન ડાંગ જિલ્લામાં પ્રથમ કાર્યરત થયેલી એવી ‘અટલ રોબોટિક લેબ’ માટે તેમના અથાગ પ્રયત્નો રહ્યા છે. શાળાના બાળકોને વિજ્ઞાન મેળામાં રસપૂર્વક ભાગ લેતા કરી પાંચ વખત રાજ્ય ક્ક્ષાએ બાળકોના માર્ગદર્શક તરીકે ભાગ લીધો છે. સાથે “ઇન્સ્પાયર્ડ એવોર્ડ“ માટે બાળકોના માર્ગદર્શક તરીકે ત્રણ વાર ભાગ લઈ એક વાર રાજ્ય કક્ષાએ પસંદગી પામી રાષ્ટ્રીય ક્ક્ષાએ દિલ્હી સુધી ભાગ લીધો છે. આ સાથે પુસ્તકાલયનો ઉપયોગ હોય કે મોડેલ્સ મેકિંગ દ્વારા પણ સતત બાળકોને પ્રોત્સાહિત કરતાં રહ્યા છે. નેશનલ એજ્યુકેશન પોલિસીના એમ્બેસેન્ડર તરીકે બીજુબાલા પટેલે શૈક્ષણિક સમેલનો, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમોમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી છે. ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી કે કોવિડ-19ની કામગીરી સહિત જિલ્લા કક્ષાના મોટા ભાગના સરકારી કાર્યક્રમોમાં ઉદઘોષક તરીકેની જવાબદારી પણ બખૂબી નિભાવી છે.
સમગ્ર ડાંગ જિલ્લો આજે ગૌરવાન્વિત થયો છે: આમ, તાલુકા-જિલ્લા ક્ક્ષાએ અનેક પારિતોષિકો અને ઈનામ-અકરામ મેળવનારા, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવાના શિક્ષિકા બીજુબાલા પટેલને રાજ્ય કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક‘ થી નવજાતા સમગ્ર ડાંગ જિલ્લો આજે ગૌરવાન્વિત થયો છે.
આ પણ વાંચો: