નવસારી: આજે 2 ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. ત્યારે ગાંધીજીએ આઝાદીની લડતમાં ઘણા બધા સત્યાગ્રહો કર્યા હતા. જેમાં દાંડી સત્યાગ્રહ ખૂબ જ અગત્યની હતી. મહાત્મા ગાંધીજીએ કરેલી દાંડી સત્યાગ્રહ યાત્રા દરમિયાન બાપુ જે પણ જગ્યાએ રોકાયા હતા. તે સ્થળોને ઐતિહાસ દરજ્જો આપવામાં આવ્યો છે અને સરકાર દ્વારા સમયાંતરે તેને વિકસિત કરીને કાળજી રાખવામાં આવે છે. બાપુના સત્યાગ્રહના કારણે નવસારી સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે.
દાંડી સત્યાગ્રહ સમયે ગાંધીજીની યાદગીરી: ગાંધી બાપુના સત્યાગ્રહ બાદ અંગ્રેજો દ્વારા 5 મે 1930 ના રોજ મળસ્કે 4 વાગ્યે બાપુની ધરપકડ કરી હતી. નવસારી રેલવે સ્ટેશન નજીક ફ્રન્ટીયર મેલને ઉભો રખાવી તેમાં ગાંધીજીને બેસાડી પૂનાની યરવાડા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. એજ દિવસની યાદગીરી રૂપે આજુબાજુના ગામોએ લડત ચલાવી હતી અને પરિણામ સ્વરૂપ તારીખ 15 ઓગસ્ટ 1997 ના રોજ ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ગાંધી સ્મૃતિ નામ આપી અહીં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પરંતુ આ સ્ટેશને સુવિધા નામે અભાવ જોવા મળી રહ્યો છે. જેથી અહીંથી મુસાફરી કરતા સેંકડો લોકો આ સ્ટેશનને સુવિધાયુક્ત બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
રેલવે સ્ટેશનથી બાપુને જેલ લઇ જવાયા: અંગ્રેજોએ લાદેલા મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કર્યા બાદ અંગ્રેજોએ મહાત્મા ગાંધીજીની 5 મે 1930 ના રોજ મળસ્કે 4 વાગ્યે ધરપકડ કરી હતી. નવસારી રેલવે સ્ટેશન નજીક ફ્રન્ટીયર મેલને થોભાવીને તેમાં ગાંધીજીને બેસાડીને પુનાની યરવડા જેલમાં લઈ ગયા હતા. બાપુને જે જગ્યાએથી અંગ્રેજોએ ફ્રન્ટીયર મેલમાં બેસાડ્યા એ સ્થળે આઝાદી બાદ ભારત સરકારના રેલવે મંત્રાલયે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન શરૂ કરી, આસપાસના 22 થી વધુ ગામડાઓના લોકોને ટ્રેન સુવિધા મળી રહે તે હેતુથી લોકલ ટ્રેનના સ્ટોપેજ આપ્યા હતા.
ગાંધી સ્મૃતિ સ્ટેશન પર 5 લોકલ ટ્રેન રોકાઇ છે: ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશને સવારે સુરત જવા માટે 9:15 અને 9:30, જ્યારે સાંજે મુંબઈ તરફ 5:30, 6:10 અને 7:10 વાગ્યાની એમ 5 લોકલ ટ્રેન ઊભી રહે છે. જેમાં રોજના અપડાઉન કરતા નોકરિયાતો વિદ્યાર્થીઓ અને મુસાફરો મળી 250 થી વધુ લોકો આવન જાવન કરી ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશનનો ઉપયોગ કરે છે. અહીંથી મુસાફરી કરતા લોકો જણાવે છે કે, દાંડી સત્યાગ્રહના સમયે ગાંધીજી સાથે જોડાયેલા દરેક સ્થળોને સરકાર દ્વારા વિશેષ ધ્યાન આપી તેને વિકાસ કરવામાં આવ્યા છે અને તેની માવજત પણ રાખવામાં આવી છે. ત્યારે દાંડીકૂચ બાદ ગાંધીજીની જે સ્થળથી અંગ્રેજોએ ધરપકડ કરી હતી. તે ઐતિહાસિક સ્થળે રેલવે મંત્રાલય દ્વારા સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
રેલવે સ્ટેશને સુવિધાઓનો અભાવ: આ સ્ટેશન ખાલી નામનું સ્ટેશન કહી શકાય છે. કારણ કે, વર્ષો વીતવા છતાં આ રેલવે સ્ટેશને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. અહીંથી મુસાફરી કરતા અમુક લોકો ઘણા દૂર ગામડેથી આવતા હોય છે. કોઈક વાર ટ્રેન મોડી હોય તો કલાકો વિતાવવા પડે છે. ત્યારે ઘણું મુશ્કેલ થઈ જાય છે. કારણ કે, પરંતુ અહીં ન તો ઊંચુ પ્લેટફોર્મ છે, ન એના ઉપર પતરાનો શેડ, કે ન તો કોઇ બેસવા માટે બાંકડાની વ્યવસ્થા છે. એટલું જ નહીં પીવાનું પાણી અને શૌચાલયની વ્યવસ્થા પણ આ સ્ટેશનમાં ઉપલબ્ધ નથી. સૌથી મહત્વની વાત એ છે કે, રેલવે સ્ટેશન જાહેર કર્યું અને બનાવ્યું પણ, પરંતુ અહીં આવવા માટે યોગ્ય રસ્તો પણ નથી. જેથી લોકોએ જીવના જોખમે આ સ્ટેશન ઉપર આવવા પડે છે. ત્યારે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન ઉપર પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવે એવી માંગ રોજના મુસાફરી કરતા નોકરિયાતો કરી રહ્યા છે.
રેલવે તંત્રે સ્ટેેશનને પોતાના હસ્તક લીધું: ચીફ બુકીંગ ક્લાર્ક ભાનુ રંજન જણાવે છે કે, અગાઉ આ સ્ટેશન ઉપરથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ટિકિટનું વેચાણ થતું હતું. પરંતુ ગત જુલાઈ 2024 માં રેલવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરીને ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પોતાના હસ્તક લીધું હતું. આ સાથે જ અહીં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટેની વ્યવસ્થાઓ પણ રેલવે તંત્ર દ્વારા કરવાનો પ્રારંભ કરાયો છે. ટિકિટ વિન્ડો માટે કેબિન અને શૌચાલયની કેબિન લાવવામાં આવી છે. ચીફ બુકિંગ સુપરવાઇઝર તેમજ અન્ય 2 રેલવે કર્મચારીઓની કાયમી નિમણૂક પણ કરવામાં આવી છે. જેથી ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન ઉપર ઊભી રહેતી 5 લોકલ ટ્રેનો સહિત ભવિષ્યમાં અન્ય ટ્રેનો પણ ઊભી રહે એની સંભાવના વધી છે. સાથે જ રેલવે સ્ટેશન ઉપર બેઠક માટે બાંકડા અને શેડ બનાવવામાં આવે એની ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: