ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડ રાયજી મહારાજની વાજતે ગાજતે સવારી નીકળી હતી. એ સાથે જ યાત્રાધામમાં પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થયો છે. પરંપરા મુજબ આમલકી અગિયારે ભગવાન ભાવિકો પર અબીલ ગુલાલની છોળો ઉડાડતા નીકળે છે.
રણછોડરાયની પાલખી યાત્રા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનની ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સવારી નીકળી હતી. આ સવારી નીજ મંદિરથી નીકળી લક્ષ્મીજી મંદિરે પહોંચી હતી. પરંપરા મુજબ આમલકી અગિયારસે ભગવાન હાથી પર સવાર થઈ ભાવિકો પર અબીલ ગુલાલની છોળો ઉડાડતા નીકળે છે. આ સાથે જ પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થાય છે. હવે હાથીના બદલે પાલખીમાં બિરાજમાન ભગવાનની સવારી નીકળી હતી.
ઠાકોરજીએ ભક્તો સાથે હોળી રમી : આમલકી અગિયારસે મંગળા આરતી બાદ કાળીયા ઠાકરને શ્વેત વસ્ત્ર પરિધાન કરાવાયા હતા. સાથે અમૂલ્ય શણગાર સજી સોનાની પિચકારીથી હોળી ખેલતા હોય તેવો ભાવ સેવકો દ્વારા પ્રદાન કરાયા છે. ફાગોત્સવ દરમિયાન ભગવાન નિત્ય ભાવિકો સાથે હોળી ખેલે છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા સાથે ભાવિકો ભગવાન સાથે હોળી રમી ધન્યતા અનુભવે છે.
રણછોડરાયનું લક્ષ્મીજીને વચન : સંવત 1828 પહેલા ઠાકોરજીનું સ્થાન હાલના લક્ષ્મીજી મંદિરમાં હતું. જ્યારે નવું મંદિર બનાવવામાં આવ્યું ત્યારે ભગવાન રણછોડરાય નવા મંદિરમાં આવીને બિરાજમાન થયા હતા. ત્યારે તેમણે લક્ષ્મીજીને વચન આપ્યું હતું કે દર શુક્રવારે અને અગિયારસે તે લક્ષ્મીજીને મળશે. આ વચનની પરંપરા મુજબ હાલમાં પણ મંદિરના રાજા રણછોડરાય દર શુક્રવાર અને અગિયારસે વાજતે ગાજતે લક્ષ્મીજીના મંદિરે જાય છે.
ડાકોરમાં રંગોત્સવ શરૂ : ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજર જગદીશ દવેએ જણાવ્યું હતું કે, હોળી ધુળેટી ઉત્સવની શરૂઆત આમલકી અગિયારસથી થતી હોય છે. એના ભાગરૂપે આજે અબીલ ગુલાલની છોળો વચ્ચે ભગવાનની સવારી નીકળે છે. ભાવિક ભક્તો ખૂબ હર્ષોલ્લાસ સાથે ભગવાનની શોભાયાત્રામાં જોડાયા છે. યાત્રાધામ ડાકોર ખાતે આગામી 24, 25 અને 26 માર્ચના રોજ ફાગણી પૂનમનો મેળો ધામધૂમ પૂર્વક યોજાશે. જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.