સુરત: સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં 4.55 કરોડની કિંમતના હીરાની ફેરબદલી મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. હીરાબજાર એલબી ચાર રસ્તા પાસે કેબિન રાખી હીરાનો ધંધો કરતો નકલી વેપારીએ હીરો ખરીદવાને બહાને હીરા વેપારી યોગેશ કાકલોતરને હીરો લઈને ઓફિસે બોલાવ્યા હતાં. જે બાદ હિરાનો સોદો કરી વેપારીની નજર ચુકવી 10.08 કેરેટનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરીટીનો નેચરલ હીરો બદલી તેની જગ્યાએ સીવીડી હીરો મુકી સેફમાંથી રૂપિયા લઈને આવું છું કહીને હીરો લઈ મોબાઈલ બંધ કરી રફુ ચક્કર થઈ ગયો હતો. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
10.08 કેરેટ વજનનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરીટીનો હીરો: વેસુ એસડીજૈન સ્કુલની વેસ્ટર્ન રેસીડેન્સીમાં રહેતા વેપારી શાહએ મહિધરપુરા હીરાબજાર એલબી પાસે દેવનિરંજની બિલ્ડિંગમાં કેબિન રાખી હીરાનો ધંધો કરતા વેપારી હિતેશ મનજી પુરોહીત અને ઈશ્વર સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ખોડલ જેમ્સના માલીક યોગેશ કાકલોતરે રેપનેટ સાઈટ ઉપર 10.08 કેરેટ વજનનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરીટીનો જીઆઈટી ગ્રેડીંગ વાળો હીરો વેચાણ અર્થે મુક્યો હતો. આ હીરો ખરીદવા માટે આરોપી હિતેશ પુરોહિતે દલાલ મારફતે સંપર્ક કર્યો હતો.
બીજા દિવસે પેમેન્ટ આપાવાની વાત થઈ: ચિરાગભાઈના પુત્ર અક્ષતે ગત તારીખ 8 જૂનના રોજ મૂળ માલિક યોગેશભાઈ પાસેથી જાગંડ પર હીરો લાવી હિતેશ પુરોહીતને તેની ઓફિસમાં બતાવ્યો હતો. હિતેશે બીજા દિવસે પેમેન્ટ આપાવાની વાત કરતા અક્ષતે ના પાડી હતી અન હીરો પરત લઈ તેના મુળ માલિકને આપી દીધો હતો. જોકે, ત્યારબાદ 25મીના રોજ ફરી દલાલે ફોન કરતા અક્ષત હીરો વેચવા માટે હિતેશ પુરોહિતની ઓફિસે ગયો હતો.
હીરો ટેબલ ઉપર મૂકતા બદલાય ગયો: આરોપી હિતેશ પુરોહીતે ભાવતાલ બાબતે વાતચીત કરી સીવીડી ચેક કરાવી હીરો અને સર્ટી માંગી હીરો થોડીવાર જોઈ પોતાના હાથમાં રાખ્યો હતો. હિતેશે અક્ષતને ટોકન પેટે 10 લાખ રૂપિયા આપવાનુ કહી હીરો ટેબલ ઉપર મુક્યો હતો અને સેફમાંથી રૂપિયા લેવા જવાં કહી ઓફિસમાંથી નિકળી ગયો હતો. અક્ષતે ટેબલ ઉપર મુકેલ હીરો જોતા હીરો બદલાય ગયો હતો. અક્ષતે તે હીરો બતાવવા માટે લાવ્યો હતો તેના બદલામાં સીવીડી હીરો હતો અને હીરાની ઘારામાં ગ્રેડીંગ નંબર પણ જુદો લખેલો હતો. આરોપી હિતેશ પુરોહીતે વાતચીત દરમ્યાન નજર ચુકવી રૂપિયા 4.55 કરોડની કિંમતનો હીરો લઈ જઈ તેની જગ્યાએ સીવીડી હીરો મુકી ભાગી ગયો હતો. અને અક્ષતે ફોન કરતા તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો. પોલીસે ચિરાગભાઈ શાહની ફરિયાદ લઈ હિતેશ પુરોહીત અને ઈશ્વર નામના વ્યકિત સામે 4.55 કરોડના હીરાની છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
દલપતના ઘરેથી હીરા મળી આવ્યા: આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ થતા આજે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી રાજસ્થાન, પાલનપુર, મુંબઈ વગેરે સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં આરોપી હિતેશ સાથે અન્ય આરોપી ઈશ્વર પુરોહિત, કમલેશ પુરોહિત અને દલપત પુરોહિત સહિત સુરેશ પુરોહિત સામેલ હતા. આ તમામ લોકો હીરાને સગેવગે કરવા માંગતા હતા. જે માટે હિતેશે દલપત પુરોહિતને હીરો આપી દીધેલ હતો. પોલીસે દલપત પુરોહિતની ધરપકડ કરી છે તેઓ મૂડ રાજસ્થાનના વતની છે. તમામ આરોપીઓ એક જ જિલ્લાના વતની છે.
મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ: આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, 100 ટકા હીરાની રિકવરી કરવામાં આવી છે. દલપતના ઘરેથી હીરાની રિકવરી કરવામાં આવી હતી. આ હીરાની ચકાસણી પણ કરાઈ છે. આ લોકો હીરા વેચે તે પહેલા આજે પોલીસે તેમની ધરપકડ કરી છે જો કે, મુખ્ય આરોપી ક્યાં છે તે અંગેની તપાસ હાલ ચાલુ છે.