દાહોદ : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે દાહોદના પ્રવાસે આવ્યા હતા. અહીં તોયણી ગામની છ વર્ષીય માસુમ બાળા સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા બાબતે બાળકીના પરિવારજનોને સાંત્વના અપાવવા માટે જેનીબેન ઠુમ્મરે પરિવારની મુલાકાત લીધી હતી.
પીડિત પરિવાર સાથે મુલાકાત : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે છ વર્ષીય બાળા સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા બાબતે બાળકીના પરિવારજનોને ન્યાય અપાવવા માટે આરોપીને ફાંસીની સજા થાય તથા પરિવારજનોને ન્યાય મળે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બાદમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન ભાજપ સરકાર અને હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા.
સરકાર પર નિશાન સાધ્યું : જેનીબેન ઠુમ્મરે જણાવ્યું કે, આજે નહીં તો કાલે સરકાર એક્શનમાં આવશે એમ માનીને અમે 156 સીટ સાથે બહુમતી આપી છે, છતા પણ તમને સંતોષ ન થયો. ધારાસભ્ય તોડી તોડીને અન્ય પક્ષોમાંથી પણ લઈ જઈને પાર્ટીનો ખેસ ધારણ કરાવો છો. પ્રજા અને મહિલાઓ એટલું જ માંગે છે કે, અમારી સુરક્ષાની જવાબદારી તમે લો. સરકાર આ જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે.
હર્ષ સંઘવીને આડે હાથ લીધા : હર્ષ સંઘવીને આડે હાથ લેતા કહ્યું કે, આજની નારી 21મી સદીમાં ન્યાય મેળવવા માટે સક્ષમ છે. તમે ગૃહમંત્રી છો અને પોલીસના વખાણ કરતા તમે થાકતા નથી. અવારનવાર તમને સાંભળીએ છીએ, તમારા પોતાના ગૃહ વિભાગના વખાણ કરો છો. ગ્રાઉન્ડ લેવલ પર અમે જઈએ છીએ, આખા ગુજરાતના અનેક બનાવોમાં પરિવારના સંપર્ક કરીએ છીએ, ત્યારે દાવા કર્યા મુજબની કોઈ કામગીરી અમારા ધ્યાનમાં આવી નથી.
ફાંસીની સજા કરવા માંગ : પરિવારને ન્યાય આપવામાં સરકાર અસક્ષમ હોય તો આખા ગુજરાતના મહિલા સંગઠનની તમામ મહિલાઓ આગળ આવશે. જો આ આરોપીને ફાંસી આપવામાં સરકાર જરા પણ વિલંબ કરે અથવા કુણું વલણ દાખવે તો જરા પણ સાંખી લેવામાં આવશે નહીં. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પ્રક્રિયા થાય અને સજા થાય. આજે દાખલો નહીં બેસાડીયે તો આવનાર દિવસોમાં આરોપીઓ સ્વતંત્ર અનુભવ કરશે, તેઓ રોકાવાની જગ્યા પર વધશે. ફાંસીથી નીચે કોઈ સજા ચલાવી લેવા માંગતા નથી.