દાહોદ : વધુ એક ઉચ્ચ અધિકારીએ આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના ઉચ્ચ અધિકારીએ અગમ્ય કારણોસર ઘરના બેડરૂમમાં પોતાની ખાનગી બંદૂકથી ખુદને ગોળી મારી આત્મહત્યા કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
લમણે ગોળી મારી આત્મહત્યા : દાહોદ જિલ્લામાં 2017 માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક (DCF) તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. આજરોજ વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમના પાસેની બંદૂક વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ કાર્યવાહી : સ્વભાવે શાંત અને ભક્તિભાવમાં રહેનારા રમેશ પરમાર ગઈકાલે ખજુરીયા ખાતે ગયા હતા. ત્યાંથી મોડી રાતે જમી-પરવારીને દાહોદ ગોદી રોડ નજીક અંબિકા સોસાયટીમાં આવેલ ઘરે આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકના ભડાકાનો અવાજ થતા સોસાયટીના સ્થાનિક અને પરિવારજનો દોડી આવ્યા હતા. બેડરૂમમાં મૃતક રમેશભાઈ પરમાર મૃત હાલતમાં જોવા મળતા સૌ કોઈ ડઘાઈ ગયા હતા.
પરિવારજનોમાં શોકનો માહોલ : પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસમાં રહેતા સગા-સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. દાહોદ એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે આવીને પંચ કેસ કરી તથા મૃતદેહને વધુ તપાસ માટે પીએમ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.
આર. એમ. પરમારનો કાર્યકાળ :
દાહોદના બાવકા ગામના આર. એમ. પરમાર દાહોદની આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ગુજરાત વન વિભાગ સાથે જોડાયા હતા. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RF0) બઢતી મળી હતી. બાદમાં ક્રમશઃ બઢતી પામતાં 2011 માં સબ DFO બન્યા અને 2017 થી ડિસ્ટ્રીક ફોરેસ્ટ ઓફિસર (DF0) તરીકે સેવા નિયુક્ત કરાયા હતા. સંનિષ્ઠ સેવાના ભાગરૂપે 2022 ના નોટિફિકેશન મુજબ તેમને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા હતા.
હાલમાં તેઓ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) ઉચ્ચ હોદ્દે આરૂઢ થયા છે. આર. એમ. પરમાર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દેથી નિવૃત્ત થયેલ ગોપાલભાઈ પરમારના સગા ભાણેજ થાય છે. આર્થિક રીતે પરિસ્થિતિ મજબૂત હોવા છતાં પણ અને સામાજિક અને ધાર્મિક રીતે પણ મજબૂત એવા સમાજમાં પ્રતિષ્ઠા અધિકારીએ આત્મહત્યા કરતા તર્ક-વિતર્ક વચ્ચે ચર્ચા ટોક ધ ટાઉન બનવા પામી છે.