દાહોદ : દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજુરી ગામે ડેમ ફળિયામાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં પરિણીતાનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે પરિણીતાના પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા મૃત હાલતમાં મળી : પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ 17 નવેમ્બરના રોજ મોટી ખજૂરી ગામે ડેમ ફળિયામાં મંજુલાબેન બારીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું માહિતી મળી હતી. આથી મંજુલાબેનના ભાઈ કનકસિંહ રતનસિંહ બારીયાએ દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામે આવેલ ડેમ ફળિયામાં પોતાની બહેનના ઘરે ગયા હતા. જ્યાં તેમને પોતાની બહેનને મૃત હાલતમાં જોઈ હતી.
હત્યા કે આત્મહત્યા ? પોતાની બહેને ગળે ફાંસો ખાધો હોવાની જાણકારી મળી હોવાથી તેમણે જોયું કે ગળાના ભાગે કોઈ નિશાન કે પંખા પર દોરડું કે સાડી જોવા મળી નહોતી. વધુમાં ગળામાં તથા છાતીના ભાગે લોહી જામેલું જોવા મળતા તેમને શંકા ગઈ હતી. આથી દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાવ્યો હતો. બાદમાં પોલીસે પરણીતાના મૃતદેહને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો.
તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો : પીએમ રિપોર્ટમાં પરિણીતાનું ગળું દબાવી અને માર મારીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે પરિણીતાના પતિની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને પોતે પત્નીની હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે.
આરોપી પતિની ધરપકડ કરાઈ : પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક પરિણીતાના પતિ દિલીપ બારીયાને પોતાના ભાઈ વિજયના પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપીને સંતાનમાં કોઈ બાળક હતું નહીં.