સુરત: ભારતીય હવામાન વિભાગ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ આગામી તા.1 જુનથી 7 મી જુન સુધી ગુજરાતના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના કિનારે ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોના જાનમાલની નુકસાની ન થાય. તે માટે તકેદારીના ભાગ રૂપે તારીખ 1 જુનથી 7 મી જુન સુધી ડુમસ અને સુવાલી બીચને સહેલાણીઓ માટે બંધ કરવાનો આદેશ કર્યો છે.
ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે,લોકો માટે તો બીચ બંધ કરી દેવામાં આવશે. પરંતુ પોલીસ દ્વારા માછીમારો તેમજ સાગર ખેડૂઓને પણ દરિયા કિનારે અને દરિયાનાં પાણીમાં જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ડુમસ અને હજીરાના સુવાળી બીચના રસ્તા પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે.