ભાવનગર: શહેર 43 ડિગ્રી ગરમીમાં શેકાઇ રહ્યું છે. લોકોને આવી ગરમીમાં પોતાના ઘરમાંથી બહાર નીકળવામાં પણ વિચારવું પડે છે. ત્યારે ભાવનગરની કામધેનુ ગૌશાળામાં હજારો પક્ષીઓ છે તેઓને 43 ડિગ્રી ગરમીથી બચાવવા માટે કુલરો મુકવામાં આવ્યા છે. પક્ષીઓને બચાવતા પક્ષીપ્રેમીઓએ લોકોને અપીલ કરી છે. લોકોએ પોતાના ઘરે પક્ષીઓ માટે શુ કરવું જોઈએ જાણો.
ગૌશાળામાં પક્ષીઓ માટે મુકાયા કુલર: કામધેનુ ગૌશાળામાં ગાયો સાથે પક્ષીઓ માટે પણ જગ્યા આપવામાં આવેલી છે. ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષીઓ માટે ગરમી ખૂબ ઘાતક છે ત્યારે ગૌશાળામાં રહેલા પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે. ગૌશાળાના સભ્ય રાજુભાઈએ જણાવ્યું હતું કે, ગૌશાળામાં કાકા કૌવા,બજરી, લવબર્ડ અને કબુતરો મળીને 1 હજાર કરતા વધુ પક્ષીઓ છે. આ તમામ પક્ષીઓ માટે કુલરો મુકવામાં આવ્યા છે. આ કુલરો 11 કલાકથી સાંજના 6 કલાક સુધી ચાલું કરવામાં આવે છે.
આકરા તાપના કારણે અનેક બચ્ચાઓના મોત: ભાવનગરના રાજુભાઇ પક્ષી પ્રેમી છે તેઓ પોતાના ઘરે પણ ઇજાગ્રસ્ત પક્ષીઓને રાખે છે. રાજુભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં કબૂતર,ચકલી જેવા પક્ષીઓના બચ્ચાઓ મોટા પ્રમાણમાં જન્મતા હોય છે. આકરી ગરમીને કારણે થોડા મોટા થયા બાદ તાપમાં રહેવાને કારણે માળાઓમાંથી નીચે પડે છે અને મૃત્યુ પામે છે. ઘણા બચ્ચાઓ મારી પાસે આવે તો હું તેને ખવડાવીને ગરમીથી રાહત આપીને મોટા કરું છું. પક્ષીઓ ઉડે તેવા થાય એટલે ઉડાડી દઈએ છીએ. ગૌશાળામાં પોપટ જેવા પક્ષીઓ ઇજાગ્રસ્ત આવે એને પણ સારવાર આપીને ઉડાડી દઈએ છીએ.
લોકોને અબોલ જીવોને બચાવવા ખાસ અપીલ: તેમણે આકરી ગરમીમાં પક્ષીને પગલે વિનંતી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, ડિહાઇડ્રેશન માણસ નહિ પક્ષીઓને પણ થાય છે. કોઈ પક્ષી મળી આવે અથવા ઇજાગ્રસ્ત હોઈ તો પક્ષીની સારવાર કરતા લોકોને જાણ કરો અને તેમને સોંપે તો જીવ બચાવી શકાય છે. 43 ડીગ્રી હોય ત્યારે લોકો ખાસ પોતાના ઘરમાં બહાર છાંયડામાં પાણીના કુંડા ખાસ મૂકવાની અપીલ કરી છે. કારણ કે, શહેરોમાં પક્ષીઓને સરળતાથી પાણી મળી રહેતું નથી. પક્ષીઓને બચાવવા માટે લોકોએ આગળ જરૂર આવવું પડશે.