વલસાડ : જિલ્લા દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદણી આગાહી કરવામાં આવી છે. જેને પગલે વહીવટી તંત્ર ખડે પગે સજ્જ બન્યું છે. NDRF ની એક ટીમ વલસાડમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમ જ એનડીઆરએફની ટીમ દ્વારા નીચાણવાળા વિવિધ વિસ્તારોનું સર્વે પણ કરવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 3.30 ઇંચ વરસાદ: વલસાડ જિલ્લાના પાંચ તાલુકાઓ મળી જિલ્લામાં કુલ 3.50 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં અને વલસાડ તાલુકામાં નોંધાયો હતો. ઉમરગામ તાલુકામાં ગત 24 કલાકમાં સાડા છ ઇંચ જેટલો મુશળધાર વરસાદ પડ્યો છે જેને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં જિલ્લાના 10 જેટલા રસ્તા બંધ થઈ ગયા હતા. જે 4 કલાક પછી પાણી ઓસર્યા બાદ ફરી વાહન વ્યવહાર શરૂ થયો હતો.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ તાલુકામાં ચાર ઇંચ, ધરમપુર તાલુકામાં 1.5 ઇંચ, પારડી તાલુકામાં 3.9 ઇંચ, કપરાડા તાલુકામાં એક ઇંચ, સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 6.5 ઇંચ, જ્યારે વાપી તાલુકામાં 3.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આમ વલસાડ જિલ્લામાં કુલ 3.4 ઇંચ જેટલો વ્યાપક વરસાદ તમામ તાલુકાઓમાં નોંધાયો છે.
વરસાદ હજુ માત્ર 40 ઇંચ ઉપર પહોંચ્યો: સામાન્ય રીતે વલસાડ જિલ્લામાં 100 ઇંચ કરતા પણ વધુ વરસાદ ચોમાસા દરમિયાન નોંધાયો છે. જોકે ચોમાસાના બે માસ હાલ વીતી ચૂક્યા છે. તેમ છતાં હજુ સુધી માત્ર 40 ઇંચ વરસાદનો આંકડો પહોંચ્યો છે.વલસાડ જિલ્લાને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો છે.
કાચું ઘર તૂટી પડ્યું: ગત 24 કલાકમાં પડી રહેલા વરસાદને કારણે વલસાડ તાલુકાના સુરવાડા ગામે સરસ્વતીબેન ઠાકોરભાઈનું કાચું ઘર વરસાદને કારણે તૂટી પડ્યું હતું. જોકે ઘરની અંદર કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ઘર તૂટી પડતા મોટાભાગના સામાન્ય નુકસાન પહોંચવા પામ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની મહેરમાં તફાવત જોવા મળી રહ્યો છે. તેમ જ આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.