ખેડા: જિલ્લાના મહેમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો દ્વારા શહેર તેમજ તાલુકા વિસ્તારના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રશેખર ડાભી સહીત જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહેમદાવાદ શહેરમાં કચેરી દરવાજા પાસે કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેર અને તાલુકાની સમસ્યાઓની રજૂઆત: કાર્યક્રમમાં મહેમદાવાદ શહેર અને તાલુકામાંથી અલગ અલગ સમસ્યાઓ પર લોકોએ રજુઆત કરી હતી. મહેમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકામાં વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવતું હોવાથી કોઈ સુવિધા આપવામાં આવતી નથી. તેની રજૂઆત કરાઈ હતી. આ સાથે મહેમદાવાદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, કેનાલ અને સ્કૂલ જેવી સમસ્યાઓ પર પણ રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતો બાબતે રજૂઆતકર્તાઓને તેમની સમસ્યાને વિધાનસભામાં વાચા આપીશું તેવી બાંહેધરી આપવામાં આવી હતી.
લોકોએ પોતાના પ્રશ્નો આક્રોશ સાથે રજૂ કર્યા: અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, ગુજરાતની જનતાને અવાજને બુલંદ કરવાનો કાર્યક્રમ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ છે. મહેમદાવાદ શહેર અને તાલુકાના પ્રજાજનોના પ્રશ્નો સાંભળવા માટે આ જનમંચ કાર્યક્રમ લઈને આવ્યા છે. જે લોકોએ દુ:ખ સાથે તકલીફ સાથે આક્રોશ સાથે પ્રશ્નો રજૂ કર્યા છે. મહેમદાવાદમાં અનેક કંપનીઓ આવેલી છે. જે સ્થાનિક યુવાનોને રોજગાર આપતી નથી. પરપ્રાંતના મજૂરો લાવી કામદારો લાવી સ્થાનિકોને રોજગારથી વંચિત રાખવામાં આવે છે. કામદારોનું શોષણ પણ કરવામાં આવે છે. શેઢી શાખામાં સિંચાઈની પૂરતી વ્યવસ્થાઓ નથી. નર્મદાની જે માઈનોર સબ માઈનોર કેનાલો છે. હજી બનતી નથી. એ જ રીતે મહેમદાવાદ શહેરમાં પણ ચારેય તરફ ગંદકી છે.
ખોટી રીતે પાઇપલાઇન નાખીને ભ્રષ્ટાચાર કરાયો: ચારે તરફ પાણીની પાઇપો ખોટી રીતે નાંખીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. પૂરતા પ્રમાણમાં પાણીની ટાંકીઓ હોવા છતા પીવાનું પાણી નથી મળતું. સફાઈ કામદારોને તેમના અધિકારો મળતા નથી.આખા તાલુકામાં દારૂ જુગારની બદી એટલી હદે વધી છે કે નાની ઉંમરે યુવાનો મૃત્યુ પામે છે. બહેન-દીકરીઓ વિધવા થઈ રહી છે. આવા અનેક પ્રશ્નો અહીયા રજૂ થયા છે. એનાથી સ્પષ્ટ દેખાય છે કે ઔડા વિસ્તારમાં આવતા આ વિસ્તારમાં વર્ષોથી ટી.પી ફાયનલ કરવા રજૂઆત થઈ છે પણ એની કોઈ નિવારણ નથી આવતું. આ તમામના લીધે મહેમદાવાદ તાલુકાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. ગેર વહીવટ અને ભ્રષ્ટાચારને કારણે લોકો હેરાન પરેશાન છે. આવનારા દિવસોમાં આ તમામ પ્રશ્નોને આ જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી ઉઠાવવામાં આવશે. લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે આંજો સૌએ સંકલ્પ કર્યો છે.