સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગડતર થવાના પગલે ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા. જિલ્લામાં મોટા પાયે કાર્બોસેલ બ્લેક ટ્રેપ અને સફેદ માટીની મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાના અનેકવાર કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ ગેરકાયદેસર કર્બોસેલની ખાણોમાં કેટલાંક શ્રમિકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટનાઓ પણ ભૂતકાળ બની ચુકી છે. આ ખાણોમાં કોઈપણ જાતની સેફટી વગર ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મૂળી તાલુકાના ભેટ ગામે કર્બોસેલની ખાણમાં ત્રણ મજૂરોના ગેસ ગળથળથી મોત નીપજવાની ઘટનાએ જિલ્લાભરમાં ચકચાર મચાવી છે. બીજી તરફ આ મામલે કોંગ્રેસ રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર સહિત ભાજપ પર ગંભીર આરોપ સાથે શાબ્દિક પ્રહાર કર્યા છે.
ઉપરવાળાનો તો ડર રાખોઃ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગડતર થવાાથી 3 શ્રમિકોના મોત મામલે રાજ્યની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે, જેમા ગરીબ અને નિર્દોષ માણસો કાળનો કોળીયો બની રહ્યાં છે. અહીંથી ન અટકતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, અધિકારીઓ આવી ગેરકાયદે ચાલતી ખાણોના સંચાલકો પાસેથી હપ્તાઓ લે છે અને ભાજપના નેતાઓ તે હપ્તામાંથી ભાગ પડાવે છે. તેમણે આગળ કહ્યું ભાજપના નેતાઓ અને ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપરવાળાનો ડર રાખવો જોઈએ અને આ મામલે જે પણ કોઈ દોષિત હોય તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને મૃતક શ્રમિકાના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ.
શું હતો સમગ્ર મામલોઃ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાનાં ભેટ ગામ ખાતે 13 જૂલાઈના રોજ ત્રણ શ્રમિકોના ગેસ ગળતરનાં કારણે મોત થયા હતાં. આ ઘટનામાં પોલીસ દ્વારા માનવ વધનો ગુનો દાખલ કરી ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ખીમજીભાઇ સારોલીયા અને તાલુકા પંચાયત મૂળીના કારોબારી ચેરમેન કલ્પેશભાઇ પરમાર સહીત ચાર શખ્સો સામે મૂળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.