અમદાવાદ: કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ રાજકોટની ઘટના અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે, તેમને ફાયર NOC 70 હજાર રૂપિયા ચૂકવાયા હતા. સામાન્ય જનતા રોજબરોજ સામાન્ય જાતિના કામો માટે હોય છે, ખેડૂતોના પોતાના દાખલા કઢાવવાના હોય છે પરંતુ, લાંચ આપ્યા વિના કામ થતું નથી. ભાજપના વિકાસ મોડેલમાં ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, રામ મોકરિયાએ રાજકોટ ઘટના મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે અધિકારીઓ ભ્રષ્ટ છે, નૉટીસના નામે અધિકારીઓ વહીવટ જ કરે છે. નૉટીસ લઈને જાય છે અને વહીવટ થઈ જાય એટલે નૉટીસ ફાડી દે છે.
"દરેક કામના ચોક્કસ ભાવ નિશ્ચિત હોય છે": મનીષ દોશીએ વધુ જાણાવતાં કયું કે, "દરેક વિભાગમાં દરેક કામના ચોક્કસ ભાવ નિશ્ચિત હોય છે. કોર્પોરેશનના પ્લાન પાસ કરાવવા રજા ચિઠ્ઠી, B.U પરમિશન, ફાયર NOC દરેકના નિશ્ચિત ભાવ છે. જેને ભાજપાએ નામ આપ્યું છે સેવા સદનો. જેમાં લૂંટના મેવા સદનો છે. ગામથી લઈને ગાંધીનગર સુધી, શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારને કારણે ગુજરાતની સાડા 6 કરોડની જનતા પરેશાની ભોગવી રહી છે. ત્યારે હું માંગ કરું છું કે, રાજ્યસભાના હાલના સાંસદે ભ્રષ્ટાચારનો કાળો ચિઠ્ઠો બહાર પાડ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી કેમ મૌન ધારણ કરીને બેઠાછે.
મનીષ દોશીનો કટાક્ષ: તક્ષશિલાની ઘટનામાં પણ ગેરકાયદેસર બાંધકામના શાસકોમાં હપ્તારાજ કોનું હતું ? હરણીબોટકાંડના લાભાર્થી 150 કરોડના ટેન્ડરોમાં ખેલ પાડનારા ભાજપના કયા શાસકો હતા? કેમ અહીં કમિશનરને બચાવવામાં આવ્યા? મોરબીની અંદર બ્રિજ દુર્ઘટનામાં કોના ભ્રષ્ટાચારની સાંઠગાંઠ હતી. રાજકોટની ગેમઝોન ઘટનામાં કોની ભાગીદારી અને સાજેદારી હતી? કરોડો રૂપિયાના કાળા કારોબારના ખેલમાં ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાઈ રહ્યો છે. આ લૂંટની સિસ્ટમના મુખ્યા તરીકે મુખ્યમંત્રી કેમ મૌન છે?