બનાસકાંઠા : લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અનેક નેતા-અભિનેતા સાથે રાજ્યકક્ષાના આગેવાનો મા અંબાજીના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કાર્યકર્તાઓ સાથે માઁ અંબાના શરણે પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં ગેનીબેને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
માં અંબાના દરબારમાં ગેનીબેન : ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર છે. ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમવાર ગેનીબેન માં અંબાજીના દર્શનાર્થે આવ્યા છે. ગેનીબેન ઠાકોરે અંબાજી મંદિરમાં દર્શનની સાથે અંબાજી મંદિરમાં થતી સાંજની આરતીમાં ભાગ લીધો હતો. આ તકે ગેનીબેન ઠાકોર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. માં અંબાની આરતીમાં હાજરી આપી સૌએ ધન્યતા અનુભવી હતી.
પદયાત્રા કરી પહોંચ્યા અંબાજી મંદિર : અનેક VIP મોટી મોટી ગાડીઓના કાફલા સાથે અંબાજીમાં દર્શનાર્થે પહોંચતા હોય છે. જ્યારે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના પ્રત્યાશી તરીકે જાહેર થયેલ ગેનીબેન ઠાકોર અંબાજી પહોંચતા અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા કરી આવ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ગેનીબેને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી આભાર માન્યો હતો.
કોંગ્રેસ આગેવાન અને કાર્યકરો : ગેનીબેન ઠાકોર સાથે દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોને કાર્યકર્તાઓએ મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. અંબાજી મંદિરમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં ગેનીબેને માઁ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ગેનીબેનનું ભવ્ય સ્વાગત : ગેનીબેન ઠાકોર લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર થતાની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. ગેનીબેન અંબાજી પહોંચ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઢોલ, નગારા અને ડીજે સાથે તેમનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. જ્યારે કાંતિભાઈ ખરાડીએ ગેનીબેનનું મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી.
કોંગ્રેસ કાર્યકરોનો આભાર માન્યો : અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવેલા કોંગ્રેસ બનાસકાંઠા લોકસભા સીટના પ્રત્યાશી ગેનીબેન ઠાકોરે અંબાજી મંદિરમાં દર્શન કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ કોંગ્રેસના મહુડી મંડળ અને પ્રદેશ આગેવાનો સાથે જિલ્લાના આગેવાનોનો ગેનીબેન ઠાકોરે આભાર વ્યક્ત કર્યો અને તેમને નિભાવેલી કામગીરીને પણ બિરદાવી હતી.