ગાંધીનગર : ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદવામાં આવેલી સાઇકલમાં કરોડોનો કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. એક સાયકલ દીઠ 500 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી 1.70 લાખ સાયકલથી રૂ. 8 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ કર્યો છે.
સરકાર પર ગંભીર આક્ષેપ : કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, 500 રૂપિયા વધારે ભાવથી ખરીદેલ સાયકલ EQDC દ્વારા ચકાસણીમાં ફેઈલ ગઈ છે. વર્ષ 2023-2024 અને 2024-25 બે વર્ષમાં લગભગ 3.50 લાખથી વધુ દીકરીઓ ભાજપ સરકારના ભ્રષ્ટાચારના કારણે સાયકલોથી વંચિત રહી છે. એક સાયકલ દીઠ 500 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી 1.70 લાખ સાયકલથી રૂ. 8 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે.
સરસ્વતી સાધના યોજના : સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા "સરસ્વતી સાધના યોજના" હેઠળ ધોરણ 9 માં અભ્યાસ કરતી દીકરીઓને ઘરેથી શાળા સુધી જવા માટે સાયકલ આપવામાં આવે છે. આ યોજના હેઠળ SC, ST અને OBC કેટેગરીની દીકરીઓ નિયમિત શાળાએ જાય એ હેતુથી સાયકલ સહાય આપવામાં આવે છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા ગંભીર આક્ષેપ :
"સરસ્વતી સાધના યોજના" 2023-24 માં 1.70 લાખ સાયકલ ખરીદવા માટે રાજ્ય સરકારનું સાહસ ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લી.(ગ્રીમ્કો)ને સત્તા આપવામાં આવી હતી. આ સાયકલ સ્પેશીફીકેશન અને ઉત્તમ કંડીશન છે કે નહીં, એ વર્ષોથી કમિટી SPC દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ પહેલી વખત માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્પેશીફીકેશન અને કન્ડિશનમાં ફેરફાર થાય છે. એની સામે વિરોધ અને રજૂઆતો થાય છે, વિરોધપક્ષની કચેરીમાંથી પણ એની તપાસ માટે પત્રો લખાય છે. પરંતુ CM ઓફીસના સીધા હસ્તક્ષેપને કારણે ખરીદીના સ્પેશીફીકેશન SPC ને બદલે સીધો વિભાગ નક્કી કરે છે.
કેટલીક માનીતી ચોક્કસ કંપનીઓને લાભ થાય અને એના કારણે જે કંપની રાજસ્થાનમાં એક સાયકલ 3857 રૂપિયામાં આપે છે, એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4444 રૂપિયામાં સપ્લાય કરે છે. આમ એક સાયકલે 500 રૂપિયા વધારે ગુજરાતની પ્રજાના પરસેવાના, ટેક્સના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે. આમ 1.70 લાખ સાયકલો માટે "સાડા 8 કરોડ" રૂપિયા વધારે ચૂકવવા પાછળનું કારણ શું છે, એનો સરકાર જવાબ આપે.
સાયકલની ખરીદી પ્રક્રિયા મે, 2023 માં થવી જોઈએ એને બદલે આખી પ્રક્રિયામાં 10 મહિનાનો વિલંબ થાય છે. નવા શૈક્ષણિક વર્ષ એપ્રિલ, 2024 માં વર્ક ઓડર આપ્યો અને ડીલીવરી થાય છે. સાયકલો ગ્રીમ્કોના વેરહાઉસમાં પહોંચે છે. ત્યારબાદ એના સ્પેશીફીકેશન મુજબ ગુણવત્તા, ક્વોલીટી ચકાસવા માટે ઇલેક્ટ્રોનિક ક્વોલીટી ડેવલપમેન્ટ સેન્ટર (EQDC) દ્વારા તપાસ થાય છે. તે તપાસમાં સ્પેશીફીકેશન બીડ મુજબની ગુણવત્તા જોવા મળી નથી. ISI માર્ક મુજબની જે સ્પેશીફીકેશન હતા, એ ગુણવત્તા જોવા મળતી નથી. આ જ કારણે સાયકલો ગ્રીમ્કોના ગોડાઉનમાં પડી રહી છે. હજુ સુધી કોઈ દીકરી સુધી સાયકલ પહોંચી નથી.
કોંગ્રેસ પક્ષની માંગ :
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, ગ્રીમ્કો દ્વારા ટેન્ડર પ્રક્રિયા વખતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, એ મુજબ બીડના ભાવ આવ્યા છે. એ રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા 425 રૂપિયા વધુ હોય એ બાબતે એલ્વન કંપની દ્વારા જસ્ટીફીકેશન આપવામાં આવેલ કે યોગ્ય રીતે જણાતું નથી. એટલા માટે સદર યોજાયેલ બેઠકમાં બીડ રદ કરવા માટે સરકારની મંજૂરી મેળવવા માટે પત્ર લખવામાં આવે છે. તેમ છતાં સરકાર બીડ રદ કરતી નથી અને એ જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે.
અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે, ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલમાં થયેલા 10 કરોડના ભ્રષ્ટાચારમાં CM ઓફિસની સીધી સંડોવણી અને સૂચનાથી આ કંપનીને ઓર્ડર આપ્યો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. નવું શૈક્ષણિક વર્ષ શરુ થયે એક મહિના કરતા વધારે સમય થયો, છતાં હજુ સુધી પાછલા વર્ષની સાયકલો દીકરીઓને મળી નથી. સાયકલની ડીલીવરી જે કંપનીને આપવામાં આવી છે એની ગુણવત્તાની ચકાસણી થાય, સ્પેશીફીકેશન ગુણવત્તા ના હોય તો એ કંપની અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થાય તથા આખી પ્રક્રિયામાં વિલંબ થયો અને કોની સૂચનાથી, કોના લાભાર્થે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, એની તપાસ થાય તેવી માંગણી કરીએ છીએ