કચ્છ: લોકસભા ચૂંટણી આચારસંહિતા અમલવારી હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર હથિયારના કેસો શોધવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગાંધીધામ SOG ટીમ દ્વારા સામખિયારી-આડેસર નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમ્યાન ટીમને ગેરકાયદેસર હથિયાર અંગેની ખાનગી બાતમી મળી હતી. જેના આધારે નેશનલ હાઇવેથી ઘાણીથર ગામ તરફ જવાના સીંગલ પટ્ટી રોડની જમણી બાજુ આવેલ તરડીયા સીમના કાચા રસ્તા ઉપર આવેલ રામાભાઈ સકતાભાઈ ભરવાડના ખેતરમાં મજુરીકામ તથા ચોકીકામ કરતા ભાણાભાઈ તેજાભાઈ કોલી પાસે ગેરકાયદેસર હથિયાર મળી આવતા ગાંધીધામ SOGએ કચ્છ કલેકટરના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આરોપી વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હથિયારબંધીના જાહેરનામાનો ભંગ: ગાંધીધામ SOG દ્વારા આરોપી પાસે વગર પરમીટની હાથ બનાવટની રુ. 5000ની કિંમતની દેશી બંદુક મળી આવતા કચ્છ કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ આરોપી પાસેથી બંદૂકનો કબ્જો મેળવીને તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.