જૂનાગઢ : અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આડે હવે ફક્ત એક દિવસ બાકી છે. દેશભરમાં રામલલ્લાના આગમનની રાહ જોવાઈ રહી છે. સનાતન ધર્મના મોટા અને પ્રસિદ્ધ મંદિરોમાં ભગવાનના પ્રસાદ તરીકે ટેમ્પલ ટોકન આપવામા આવતા હતા. આજથી સો વર્ષ પૂર્વે પણ ભગવાન રામના જીવન ચરિત્ર સાથે જોડાયેલા પ્રસંગોને આ ટેમ્પલ ટોકન પર અંકિત કરાયા હતા. તેમાં ભગવાન રામ સાથે જોડાયેલા પ્રસંગોને ઉજાગર કરવામાં આવતા હતા.
રામ નામના ટેમ્પલ ટોકન : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આજથી 100 વર્ષ પૂર્વે ભગવાન રામને ટેમ્પલ ટોકનમાં ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવતું હતું. જેતે સમયે ભારતના મોટા મંદિરોમાં અને આજે પણ ઘણા બધા મંદિરમાં ભગવાનની પ્રસાદી રૂપે ટેમ્પલ ટોકન આપવામાં આવે છે. જેના પર ભગવાન રામના જીવન ચરિત્ર સાથે જોડાયેલા અનેક પ્રસંગોને સ્થાન આપવામાં આવ્યું હતું. આવા ટેમ્પલ ટોકન પ્રત્યેક વ્યક્તિને ભગવાનની પ્રસાદી રૂપે જે તે મંદિરમાંથી આપવામાં આવતા હતા.
શ્રીરામથી અકબર પણ અંજાયો : ભગવાન રામનો પ્રભાવ અને પ્રભુત્વ મોગલ વંશના રાજાઓ પર પણ બિલકુલ સ્પષ્ટ જોવા મળતો હતો. મુઘલ શાસક અકબરે તેના શાસનના 50 વર્ષ પૂર્ણ થયા તેની ખુશીમાં એક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. જે પર ભગવાન રામને અંકિત કર્યા હતા. આ સિક્કામાં એકમાત્ર ભગવાન રામની પ્રતિકૃતિનો ઉલ્લેખ કરાયો હતો. આજે આ સિક્કો સમગ્ર વિશ્વમાં ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. જૂનાગઢના મિતેશ ડાયાણી પાસે ટેમ્પલ ટોકન તરીકે આજથી સો વર્ષ પૂર્વે આપવામાં આવતા સિક્કાઓનો સંગ્રહ છે. જેમાં ભગવાન રામના જીવન પ્રસંગોને ઉજાગર કરવામાં આવ્યા છે. આ પ્રકારની ટોકન પ્રથા અંગ્રેજોની સરકાર વખતે પણ હતી, જેના કારણે તેઓ આ સિક્કાને સંગ્રહ કરીને આજે ભગવાન રામને યાદ કરી રહ્યા છે.
થાઈલેન્ડમાં સનાતન ધર્મનો પ્રભાવ : નેપાળે વિક્રમ સંવત 2024 માં ભગવાન રામની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આજે જોગાનુજોગ ઈ.સ 2024 ચાલી રહ્યું છે અને ભગવાન રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. સનાતન ધર્મના દેવી-દેવતાઓને સૌથી વધારે થાઈલેન્ડ દેશની ટપાલ ટિકિટોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. થાઈલેન્ડ આજે પણ આ રીતે સનાતન ધર્મના ઇતિહાસને વિશ્વ સમક્ષ રાખી રહ્યું છે. જૂનાગઢના અશોકભાઈ બેનાની ઘણા વર્ષોથી ટપાલ ટિકિટનો સંગ્રહ કરી રહ્યા છે. તેમની પાસે સનાતન ધર્મના અને ખાસ કરીને ભગવાન રામના જીવન પ્રસંગોને ઉજાગર કરતી ટપાલ ટિકિટોનો અમૂલ્ય સંગ્રહ છે. તેમની પાસે જે ટિકિટોનો સંગ્રહ છે તેમાં મોટે ભાગે થાઈલેન્ડ દેશની ટપાલ ટિકિટ છે.