પોરબંદર : ભારતીય કોસ્ટ ગાર્ડના ICG ALH MK-III હેલિકોપ્ટર (બેરિંગ ફ્રેમ નંબર CG 863) ગત 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:15 કલાકે મોટર ટેન્કર હરિ લીલામાંથી ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરના તબીબી સ્થળાંતર માટેના રેસ્ક્યુ દરમિયાન દરિયામાં ખાબક્યું હતું.
હેલિકોપ્ટર દુર્ઘટના : ભારતીય કોસ્ટ ગાર્ડના આ હેલિકોપ્ટરમાં સમુદ્રમાં રેસ્ક્યુ માટે 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઇવર હતા. હેલિકોપ્ટર દુર્ઘટના પછી તેમાંથી એકને બચાવી લેવાયા હતા. પરંતુ અન્ય લોકો બચી ન શક્યા. બે જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક જવાન હજુ લાપતા છે. જેની શોધખોળ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ચાલી રહી છે.
2 જવાન શહીદ થયા : ગત 2 સપ્ટેમ્બર, સોમવારના રોજ સર્જાયેલ હેલિકોપ્ટર દુર્ઘટના પછી ભારતીય કોસ્ટ ગાર્ડના ક્રૂ અને એરક્રાફ્ટની શોધખોળ માટે એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે 1 ક્રૂને દરિયામાંથી બચાવી લેવામાં આવ્યા છે, અને 2 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરતા ભારતીય કોસ્ટ ગાર્ડે ખૂબ જ અફસોસ વ્યક્ત કર્યો હતો.
અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા : સમગ્ર ઘટનાની તપાસ માટે ભારતીય કોસ્ટગાર્ડના ALH હેલિકોપ્ટરનો ફ્યુઝલેજ પણ રિકવર કરવામાં આવી રહ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ (જેજી) વિપિન બાબુ અને પ્રધાન નાવિક કરણસિંહ એ બહાદુર હતા, જેમના નશ્વર અવશેષો સમુદ્રમાંથી મળી આવ્યા હતા. સેવા, પરંપરા અને સન્માન મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન : બાકીના એક ક્રૂ કમાન્ડન્ટ રાજકુમાર રાણા, ટીએમ કે જેઓ મિશનના કમાન્ડમાં પાયલટ હતા, તેમને શોધવા માટે શોધખોળના પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા છે. દુર્ઘટનાથી જ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને હવાઈ અસ્કયામતોની શોધ થઈ રહી છે. ભારતીય નૌકાદળ અને દરિયાઈ ક્ષેત્રના અન્ય હિસ્સેદારોના સંસાધનો દ્વારા પ્રયાસોને આગળ હાથ ધરવામાં આવ્યા છે.