સુરત: શહેરમાં તૈયાર સિલ્વર રામ મંદિરને આજે ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘના સુપ્રીમો મોહન ભાગવતને આપ્યું હતું. સીએમ યોગીએ આ સિલ્વર રામ મંદિરમાં અનેક ફેરફાર કરવા માટે સુરતના જ્વેલર્સ દિપક ચોકસીને સૂચના પણ આપી હતી. જે પ્રમાણે તેઓએ ડિઝાઇનમાં ફેરફાર કરી આ ચાંદીનુ રામ મંદિર તૈયાર કર્યુ હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે મંચ પર ચાંદીનું રામ મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS સુપ્રીમો મોહન ભાગવતને ભેટ સ્વરૂપ આપ્યું હતું. આ મંદિર પર સૌની નજર ટકી ગઈ હતી કારણ કે આ જોવામાં ખૂબ જ સુંદર અને આકર્ષક હતું. લોકોને આશ્ચર્ય થશે કે આ મંદિર ઉત્તર પ્રદેશમાં નહીં પરંતુ યુપીથી હજારો કિલોમીટર દૂર સુરતમાં બનાવવામાં આવ્યું હતું. સુરતના જ્વેલર્સ દિપક ચોકસી દ્વારા ખાસ હેન્ડમેડ સિલ્વર રામ મંદિર ડિઝાઇન કરવામાં આવ્યું હતું તેમના કારીગરો દ્વારા આ મંદિર તૈયાર કરાયું હતું જેણે સીએમ યોગીએ પીએમ મોદી અને મોહન ભાગવતને ભેટ સ્વરૂપ આપ્યું છે.
દિપક ચોકસીએ જણાવ્યું હતું કે, અમે રામ મંદિરનું આબેહૂબ કૃતિ સિલ્વરમાં તૈયાર કર્યું છે. આ અંગે મુખ્યપ્રધાન યોગી સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. તેઓએ આ મંદિર મંગાવ્યું હતું. મંદિર જોયા પછી સીએમ યોગીએ અનેક મહત્વના સૂચનો અમને કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ મંદિર છે, પરંતુ મંદિરની અંદર ભગવાન રામની પ્રતિમા નથી એટલું જ નહીં તેઓએ વજન થોડું ઓછું કરવા માટે પણ જણાવ્યું હતું. આ સૂચનાઓ બાદ અમે ફરીથી આ મંદિર બનાવ્યું જેમાં ભગવાન રામની નાની પ્રતિમા સહિત તેનું વજન પણ ઓછું કરવામાં આવ્યું હતું. અગાઉ મંદિર પાંચ કિલોનું હતું જેને ઓછું કરી અને ત્રણ કિલો કર્યું છે.
ત્રણ કિલોની આસપાસ ચાંદીનો ઉપયોગ: સાથે તેઓએ જણાવ્યું હતું કે આ મંદિર બનાવવામાં કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ત્રણ મહિનાના સમયગાળામાં આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. જેની અંદર ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ત્રણ કિલોની આસપાસ ચાંદીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.