ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનોખી પરિવાર ભાવના સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોતિકા ઘરમાં દિવાળી મનાવી રહેલા લાભાર્થી પરિવારો સાથે મુખ્યમંત્રી પટેલે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
CM પટેલની અનોખી દિવાળી ઉજવણી : ગાંધીનગરની નમો નારાયણ રેસિડન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1208 આવાસોનું ફેબ્રુઆરી, 2024માં લોકાર્પણ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ આવાસ વસાહતમાં દિપાવલી પર્વની ઉજવણીમાં પરિવારો સાથે સ્નેહમિલન દ્વારા નૂતન વર્ષ શુભેચ્છા પણ પાઠવી હતી. સીએમ પટેલ ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે સરગાસણમાં 'નમો નારાયણ રેસીડેન્સી' PMAY કોલોનીની મુલાકાત લીધી અને વ્યક્તિગત રીતે દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવીને ખુશીમાં સહભાગી થયા.
પ્રધાનમંત્રી આવાસ યોજના : કેન્દ્ર સરકારે દેશના સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોને પોતીકું આવાસ છત્ર આપવા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતોમાં વસવાટ કરતાં પરિવારો સાથે મળીને સૌહાર્દ ભાવથી રંગેચંગે ઉત્સવો-તહેવારોની ઉજવણી કરતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવા પરિવારોના સ્વજન તરીકે આ વર્ષની દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા.