કચ્છ : દરવર્ષે ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના સફેદ રણમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રણોત્સવમાં સહભાગી થવા ધોરડોની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પટેલ રણોત્સવ માણવા આવેલા અન્ય પ્રવાસીઓને પણ મળ્યા અને સુવિધાઓ અંગે વિગતો જાણી હતી.
રણોત્સવ પહોંચ્યા CM પટેલ : પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રણોત્સવ સ્થળે ક્રાફટ બજારના વિવિધ હસ્ત કલા કારીગરીના સ્ટોલની વિઝિટ કરીને ગ્રામીણ મહિલા શક્તિ સહિત કારીગરો સાથે સહજ સંવાદ કર્યો હતો. આ ઉપરાંત રણોત્સવ માણવા આવેલા અન્ય પ્રવાસીઓને પણ મળ્યા અને સુવિધાઓ અંગે વિગતો જાણી હતી.
અમદાવાદથી ધોરડો સુધી બસસેવા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ પ્રવાસીઓને દર વર્ષે નવી સુવિધા આપવાનો રાજ્ય સરકારનો અભિગમ છે. આ પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ સફેદ રણ ધોરડો જઈ શકે તે માટે આ વર્ષે વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થાનોની પણ મુલાકાત લઈ શકાય તે માટે તેને જોડતી બસ સેવા પણ ધોરડોથી શરૂ કરવામાં આવી છે.
સફેદ રણમાં આયોજીત રણોત્સવ : વિશ્વના પ્રવાસન નકશામાં આગવી ઓળખ મેળવેલા કચ્છ રણોત્સવમાં દેશ અને દુનિયાના પ્રવાસન પ્રેમીઓ મોટી સંખ્યામાં આવે છે. પ્રવાસન વિભાગના એક અંદાજ મુજબ ગયા વર્ષે અંદાજે 7 લાખ લોકો કચ્છના પ્રવાસે આવ્યા છે.