સુરત : પ્રીમોન્સુનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન ની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે કર્મચારીઓ અને અધિકારીઓ એલર્ટ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ખાડીઓની સાફ-સફાઈ બે વખત કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેટલા પણ ખોદકામ બાકી છે તેમને તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે સૂચના અપાઈ છે.
સાફ કરવા માટેની કવાયત: સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક ખાડી આવેલી છે જેના કારણે ચોમાસા દરમિયાન લોકોને વરસાદના પાણી ભરાઈ જવાની સ્થિતિથી મુશ્કેલીઓ થાય છે. આ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા આ વખતે ખાડીઓને બે વખત ચોમાસા પહેલા સાફ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ સાથે નવી ગટર બનાવવાનું કામ પણ પૂર્ણ કરવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સુપર શટર અને જેટિંગ મશીનને 24 કલાક દરેક ઝોનમાં કાર્યરત કરવામાં આવ્યા છે. તાપી નદીમાં પણ સફાઈ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. દરેક વૃક્ષોની ટ્રીમીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ચોમાસા પહેલા બે રાઉન્ડ પૂર્ણ: સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં ઘણા વિસ્તારોમાંથી ખાડી પસાર થાય છે. આ તમામ ખાડી વિસ્તારોમાં ઝુંબેશ સ્વરૂપ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ચોમાસા પહેલા બે રાઉન્ડ પૂર્ણ થઈ જશે. અત્યારે જેટલા પણ ખોદકામ ચાલી રહ્યા છે, તે તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા સેફ સ્ટેજ ઉપર આવી જાય. આ સાથે મેન હોલ અને ગટરની સાફ-સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે. સુપર શટર અને જેટિંગ મશીન 24 કલાક ઝોન વાઇસ ડિપ્લોય કરીને કામગીરી કરવામાં આવી રહી છે. જયાં પણ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે તે તમામ જગ્યા પરથી ડમરી ઉઠાવવા માટે સુચના આપવામાં આવી છે.
રોડ પેચ વર્ક : આ સાથે તેમણે જણાવ્યું હતું કે, વોટર સપ્લાય માટે જે મશીનરી હોય છે તેને મેન્ટેનન્સ કરવા માટેની પણ કામગીરી કરવામાં આવી છે. તાપી નદીમાં પણ સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરાઈ છે. લો લાઈન એરીયા છે ત્યાં પંપીંગ મશીન છે ત્યાં એડવાન્સમાં કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ અને રીલીફ સેન્ટર સાથે ફુડ પેકેટ અને મેડિકલ સુવિધા લોકોને મળી રહે આ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે રોડ પેચ વર્કનું પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે.
ખાડી વિસ્તાર માટે ખાસ વ્યવસ્થા: સુરતના કેટલાક વિસ્તારમાં ખાડીના પાણી સ્થાનિક વિસ્તારોમાં આવી જાય છે અને ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ જાય છે આ અંગે કમિશનર શાલીની અગ્રવાલએ જણાવ્યું હતું કે, ખાડીમાં જે સાફ-સફાઈ કરવામાં આવી રહી છે તેની સફાઇના પહેલા બે રાઉન્ડ ચોમાસા પૂર્ણ કરવામાં આવશે. જે લો લાઇનના વિસ્તાર છે ત્યાં પાણી નિકાલ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિમાં રેસ્ક્યુ કરવામાં આવે તે માટેની પણ તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તમામ ઝોનમાં જે ઝાડ નમી ગયા છે અથવા તો પડી ન જાય તેને ધ્યાનમાં રાખી આગોતરા તેઓ ઝાડ ટ્રીમિંગ કરી રહ્યા છે.