છોટાઉદેપુર : સાચા હીરાની શોધમાં ખાણમાં ઊંડે સુધી ખોદવુ પડે છે. હીરા જેવા આવા જ એક કારીગર કવાંટ તાલુકાના કનલવા ગામમાં છે. કનલવાના રતનભાઈ રાઠવા ઝાડના થડના નકામા મૂળિયામાંથી લાકડાની મૂર્તિઓ બનાવી વેસ્ટમાંથી બેસ્ટ સૂત્રને સાર્થ કરી રહ્યા છે.
વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા મૂર્તિકાર : છોટાઉદેપુર જિલ્લાના કનલવા ગામના રતનભાઈ રાઠવા મૂળ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે, આજથી 15 વર્ષ પહેલા રતનભાઈએ પાનવાડના હાટ બજારમાં લાકડાની મૂર્તિ જોઈ અને મનોમન નક્કી કરી લીધું હતું કે, મારે પણ આવી મૂર્તિ બનાવવી છે. તે બાદ તેમણે ઘરે જ લાકડામાંથી મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું.
![મૂર્તિકાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-12-2024/23125556_2_aspera.jpg)
વૃક્ષના મૂળિયામાંથી બનાવે છે મૂર્તિ : રતનભાઈ નવરાશના સમયમાં વૃક્ષના થડના મૂળિયાં, જે વેસ્ટ હોય તેમાંથી મૂર્તિઓ ઘડવાનું કામ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે. આદિવાસી સમાજમાં જે વડીલ મૃત્યુ પામ્યા હોય તે પૂર્વજોને ખત્રી દેવ ગણવામાં આવે છે અને ઘરના વાડામાં ખત્રી દેવ તરીકે સ્થાન આપવામાં આવે છે. ત્યારે મરણ પામેલ વ્યક્તિનો ફોટો રતનભાઈને આપવામાં આવે તો તેઓ ફોટાની આબેહૂબ મૂર્તિ લાકડામાંથી ઘડી આપે છે.
સરકાર દ્વારા પ્રદર્શનમાં સ્ટોલની ફાળવણી : રતનભાઈ રાઠવાને ગાંધીનગર આદિજાતિ વિકાસ વિભાગ અને અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંશોધન અને તાલીમ ભવન દ્વારા આદિવાસી પરંપરાગત કૃતિ વેચાણ અને પ્રદર્શન અમદાવાદ ખાતેના મેળામાં મૂર્તિના પ્રદર્શન માટે સ્ટોલ પણ ફાળવવામાં આવે છે.
![મૂર્તિકાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-12-2024/23125556_1_aspera.jpg)
ફોટો જોઈને બનાવી આબેહુબ મૂર્તિ : રતનભાઈ રાઠવાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, ઝાડના મૂળિયામાંથી લાકડા કરતા સારી મૂર્તિ બનતી હોય છે. અમારા આદિવાસી સમાજમાં કુટુંબના મોભીનું મૃત્યુ થયા બાદ તેમને ઘરના વાડામાં ખત્રી દેવ તરીકે (ખુટડા) સ્થાન આપવામાં આવે છે. કેટલાક લોકો પૂર્વજોનો ફોટો આપી મૂર્તિ ઘડવાનો ઓર્ડર આપે છે. હું ફોટો જોઈને આબેહૂબ મૂર્તિ ઘડી આપું છું, જે મૂર્તિના બે હજારથી પાંચ હજારનો ભાવ હોય છે.