ગીર સોમનાથ : વેરાવળના સતીમાં યુવક મંડળ દ્વારા પાછલા 14 વર્ષથી અલગ અલગ પ્રકારે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવતું હોય છે. યુવક મંડળ દ્વારા પ્રકૃતિનું રક્ષણ થાય અને લોકોને ઈકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરવા માટે પ્રોત્સાહન મળે તે માટે અલગ અલગ થીમ આધારિત ગણપતિનું સ્થાપન કરતા હોય છે.
"ચોકલેટી ગણપતિ" : વેરાવળના સતીમાં યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે વિવિધ થીમ આધારિત ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચર્તુર્થી નિમિતે યુવક મંડળે ત્રણ હજાર લોલીપોપ ચોકલેટમાંથી બનેલા ગણપતિનું સ્થાપન કરીને અનોખી રીતે ગજાનંદ ગણપતિની ભક્તિ કરી રહ્યા છે.
સતીમા યુવક મંડળની આગવી પહેલ : યુવક મંડળ પ્રકૃતિનું રક્ષણ થાય અને પ્રત્યેક વ્યક્તિ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે માટે પર્યાવરણને અનુકૂળ અને વિસર્જન બાદ જળચર પ્રાણીઓને ખોરાક મળી રહે તેવા હેતુ સાથે ગણપતિ મહારાજની પ્રતિમા બનાવી તેનું સ્થાપન કરતા હોય છે. દર વર્ષે અલગ અલગ થીમ આધારિત પ્રતિમાનું સ્થાપન યુવક મંડળ કરી રહ્યું છે.
ત્રણ હજાર લોલીપોપનો ઉપયોગ : સતીમાં યુવક મંડળે ગણપતિની પ્રતિભા બનાવવા પાછળ ત્રણ હજાર લોલીપોપ ચોકલેટનો ઉપયોગ કર્યો છે. પહેલા થર્મોકોલ અને માટીમાંથી પ્રતિમાને આકાર આપવામાં આવ્યો, જેમાં યુવક મંડળના યુવકોને પાંચ દિવસ કરતાં વધુનો સમય લાગ્યો હતો. ત્યારબાદ પ્રતિમાને લોલીપોપથી સુશોભિત કરીને ગણપતિના આકારમાં ઢાળવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયામાં યુવકોને 10 દિવસ જેટલો સમય લાગ્યો હતો.
લોકોમાં આકર્ષણનું કેન્દ્ર : લોલીપોપમાંથી ગણપતિની અફલાતૂન પ્રતિમા તૈયાર થઈ હતી. જેને આજે દર્શનાર્થે મૂકવામાં આવી છે. પાંચ દિવસ સુધી સતીમાં મંદિરે દર્શનાર્થે મૂક્યા બાદ આ પ્રતિમા વેરાવળના સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવશે. આવતા વર્ષે પણ આ જ પ્રકારે થીમ આધારિત ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરવાનું યુવક મંડળ અત્યારથી જ વિચારી રહ્યું છે.
અવનવી થીમ સાથે લોકસંદેશ : સતીમાં યુવક મંડળ દ્વારા દર વર્ષે થીમ આધારિત ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે. જેમાં અગાઉના વર્ષોમાં દુર્વા, હીરા, ડ્રાયફ્રુટ, ખજૂરપાક, માવો, ટોપરાપાક, ઉદર, ગરમ મસાલા અને બિસ્કીટમાંથી ગણપતિની પ્રતિમા બનાવી હતી. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને પર્યાવરણનું જતન કરવાની સાથે પ્રતિમાના વિસર્જન બાદ નદી કે દરિયામાં રહેલા જળચર પ્રાણીઓને કોઈ નુકસાન ન થાય, પ્રત્યેક જળચરને ખોરાક મળી રહે તે માટે આ અનોખી પહેલ શરુ કરી છે.