અમદાવાદ : ગુજરાતના રાજકીય ઈતિહાસમાં કે. કૈલાશનાથન તરીકે ઓળખાતા મૂળે કુનિયલ કૈલાશનાથન સનદી અધિકારી તરીકે સત્તાની નજીક રહ્યાં, તો સત્તા પણ તેમની આસપાસ રહી. 1979ની બેચના ગુજરાત કેડરના સનદી અધિકારી કે. કૈલાશનાથન હાલ રાજ્યના ચીફ સેક્રેટરીના પદથી નિવૃત થઇ રહ્યાં છે. તેમની નિવૃત્તિ કરતાં તેઓને વધુ એક એક્સટેશન ન મળ્યું એ સમાચારને માધ્યમોએ હેડલાઈન બનાવી છે. આમ તો 2013માં કે. કૈલાશનાથન વયમર્યાદાના કારણે સેવા નિવૃત થયા હતા. પણ તેઓની વહિવટી કુશળતા અને સંપર્કો થકી વય નિવૃત્તિ બાદ પણ 11 વર્ષ સતત રાજ્ય સરકારમાં મોટા હોદ્દા પર કરાર આધારિત કાર્યરત રહ્યા. હાલ તેઓ કેન્દ્ર સરકારમાં એક નવી ભૂમિકા ભજવે તેવી ચર્ચા ખાસ વર્તુળોમાં ચાલી રહી છે.
કે. કૈલાશનાથને ચાર મુખ્યમંત્રી અને છ સરકાર સાથે કામ કર્યુ : 71 વર્ષીય કે. કૈલાશનાથને તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યના ચાર મુખ્યમંત્રી અને છ સરકાર સાથે સીધી રીતે અને મહત્વના પદો પર કાર્ય કર્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રુપાણી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વનું અને નજીકથી કાર્ય કર્યું છે. 29, જૂનના છેલ્લાં કાર્યકારી દિવસે કે. કૈલાશનાથન તેઓ મુખ્યમંત્રી ઓફિસ એટલે CMOથી અધિક મુખ્ય અગ્ર સચિવ તરીકે નિવૃત થયા છે. કે. કૈલાશનાથન રાજ્યના CMO ખાતે ફરજ બજાવતા હતા. કે. કૈલાશનાથન મુખ્યમંત્રી કચેરીના સૌથી શક્તિશાળી અધિકારી તરીકે ઓળખાતા નવા પ્રોજેક્ટસનો અમલ હોય કે, જાહેર વહિવટમાં બદલાવ હોય આ તમામ બાબતોમાં કે. કૈલાશનાથનનું મંતવ્ય મહત્વનું રહેતુ. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશ્વાસ કે. કૈલાશનાથને જીત્યો હતો. એવું કહેવાય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી કચેરીમાં કે. કૈલાશનાથન એ મોદીના માણસ હતા.
મારા કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે સેવાઓ આપીને શ્રી કે. કૈલાસનાથનજી તા. ૩૦ મી જૂન ૨૦૨૪થી સ્વેચ્છાએ કાર્યનિવૃત્ત થઈ રહ્યા છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 29, 2024
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૬થી તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે સેવારત રહ્યા… pic.twitter.com/pC7T63I0nY
કે. કૈલાશનાથન સવાયા ગુજરાતી બની રહ્યા: મૂળે દક્ષિણ ભારતીય કે. કૈલાશનાથન નામના સનદી અધિકારી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં અનેક ફેરફાર થયા છે. ઉટી ખાતે આરંભિક જીવન વ્યતિત કરી કે. કૈલાશનાથન સનદી સેવામાં જોડાયા. 1981માં કે. કૈલાશનાથન આસિસ્ટન્ટ કલેકટર તરીકે જોડાયા બાદ ગુજરાતમાં તેઓ 1985માં સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા હતા. બે વર્ષ બાદ 1987માં કે. કૈલાશનાથન સુરત જિલ્લા કલેક્ટર બન્યા. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ કમિશ્નર તરીકે 1999 થી 2001 સુધી રહ્યાં, ત્યાર બાદ રાજ્યના શહેરી નિર્માણ વિભાગમાં મુખ્ય સચિવ તરીકે નોંધપાત્ર સેવા આપી હતી. આજે દેશ-વિદેશમાં ઉપયોગી જાહેર પરિવહન સેવા તરીકે જાણીતી BRTS પ્રોજેક્ટ સાથે પણ સંકળાયેલા હતા.
પાવરફૂલ અને બિન-વિવાદીત જાહેર જીવન: વિદેશથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ સનદી અધિકારી તરીકે પાવરફૂલ પદ પર બેઠેલા કે. કૈલાશનાથન કોઈ વિવાદ સાથે સંકળાયેલા ન રહ્યા એ તેમની જાહેર વહિવટ ક્ષેત્રની મોટી સિદ્ધિ ગણાય છે. મીતભાષી કે. કૈલાશનાથનની જાહેર વહીવટ ક્ષેત્રે 46 વર્ષની દીર્ઘ કારકિર્દી રહી છે. હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ કે. કૈલાશનાથને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા એક એક્ષ્ટેન્શન આપ્યું હતુ. 2006 થી 2013 સુધી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે મુખ્યમંત્રી કચેરીમાં પાવરફૂલ અધિકારી તરીકેનો કાર્યકાળ જાહેર વહીવટમાં કાયમી યાદ રખાશે.