ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 1 વાગ્યે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બચાવ રાહત અને હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.
અધિકારીઓને જરૂરી સુચના પણ આપી હતી. મુખ્યમંત્રીએ ઝીરો કેજ્યુંલીટી પર ખાસ ભાર મૂક્યો હતો. અસરગસ્ત વિસ્તારોના કલેક્ટર અને કમિશ્નર સાથે પણ વાત કરીને પરિસ્થિતિર્નો તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી તમામ મદદ આપવાની બાહેંધરી
આપી હતી. અનડીઆરએફના અધિકારીઓ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, માર્ગ મકાન વિભાગ, એનર્જી વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.
ગુજરાતની જનતાને પણ આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન ખોરવાઈ ગયું છે. તેમાંય સાત જિલ્લામાં વરસાદથી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગે સાતમ, આઠમ અને નોમના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતું એલર્ટ જારી કર્યું છે. અનરાધાર વરસાદના લીધે કેટલાક જિલ્લાની સ્થિતિ એકદમ વિકટ બની છે. જળબંબાકાર અને નુકસાનને ધ્યાનાં લેતાં મુખ્યમંત્રીએ જિલ્લાના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી સતર્ક રહેવા અને યોગ્ય વ્યવસ્થા તાકીદ કરવા અપીલ કરી છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે.
રાજ્યમાં સવારના 4 વાગ્યા સુધીમાં 127 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના દહેગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. 68 મિ.મી વરસાદ નોંધાયો છે. દાહોદ જીલ્લામા મોડી રાત્રીથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં લીમડી, પાવડી, દેપાડા, કારઠ, સહીતના વિસ્તારોમા વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે દાહોદ જીલ્લાના 8 પૈકી 4 ડેમો ઓવરફ્લો થયા છે. નવસારી, સુરત, દમણ, વડોદરા, દાદરા નગર હવેલી, ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, ખેડા સહિતના જિલ્લામાં પણ વરસાનું એલર્ટ આપવામાં આવ્યું છે.
દાહોદ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઈકબાલગઢ ગ્રામ્ય સહિત નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો ઈકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં ધ્રોલ 2, કાલાવડ 2, જોડીયા 1.5, લાલપુર તાલુકામાં 4 મિ.મી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: