ખેડા: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યપ્રધાને ભગવાન શિવજીની ઉપસનાના પર્વે ડાકોરના રણછોડરાયજીના દર્શનના સૌભાગ્યની તક મળી છે,તેમ જણાવી વિશ્વ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સીએમે ઉમેર્યું હતું કે, વડાપ્રધાને માતા - બહેનોના ગૌરવ અને સામર્થ્યની પરંપરાને “ગ્યાન” - ગરીબી, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર કેન્દ્રિત કરીને આગળ વધારી છે. વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ડબલ એન્જિન સરકાર પણ “ગ્યાન” આધારિત વિકાસને સમર્પિત છે.દેશવાસીઓને પોતાનો પરિવાર માની પરિવારની “ઈઝ ઓફ લિવિંગ” કેવી રીતે વધે તેની ચિંતા કરી વડાપ્રધાને અવિરત વિકાસની ગેરંટી દેશવાસીઓને આપી છે.

મુખ્યપ્રધાને દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની જન્મભૂમિ અને મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુચાચા અને મુકસેવક રવિશંકર મહારાજની આ ખમીરવંતી ભૂમિના લોકોના વધુ સારા જીવન ધોરણના વિચારને સાકાર કરતા વિકાસ કામોની આજે જિલ્લાવાસીઓને ભેટ મળી છે. તેમ જણાવતા તેઓએ ઉમેર્યું હતું કે, વિકાસ માટે નાણાંની કોઈ તંગી ના રહે અને કામો ગુણવત્તાપૂર્ણ અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે વડાપ્રધાનની ગેરંટી છે. નરેન્દ્રભાઈ મોદીએ ગત સપ્તાહમાં રૂ.1.10 લાખ કરોડના કામોની ભેટ આપીને ગુજરાતમાં વિકાસના કામોની વસંત ખીલાવી છે. તેના પગલે ચાલીને ડબલ એન્જિનની આ સરકારે પણ ગત એક સપ્તાહમાં જ 8 જિલ્લામાં વધુ રૂ.5900 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ જનતા જનાર્દનના ચરણે ધરી છે.

ડબલ એન્જિન સરકાર દ્વારા ખેડા જિલ્લાને મળેલ ડબલ વિકાસ કામોનો ઉલ્લેખ કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે,ખેડા જિલ્લામાં નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીને સાકાર કરતો વિકાસનો ઉત્સવ રણછોડરાયજીના ધામ ડાકોરમાં આજે ઉજવાયો છે. એટલું જ નહીં પરંતુ નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપી ગુજરાત સરકારે વડાપ્રધાનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને વેગ આપ્યો છે.
વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન: આ પ્રસંગે ભારત સરકારના સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે મુખ્યપ્રધાનના હસ્તે થયેલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ - ખાતમુહૂર્ત દ્વારા મધ્ય ગુજરાતના કેન્દ્રસમા ખેડા જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાનના હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કાર્યોને આલેખતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લાના ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, યોગેન્દ્રસિંહ પરમાર, સંજયસિંહ મહિડા, અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, રાજેશ ઝાલા, પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, અધિક નિવાસી કલેકટર બી. કે. જોષી, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખો, જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.