છોટા ઉદેપુરઃ પાવીજેતપુર તાલુકાની એક પરિણીતાને 3 મહિના અગાઉ તેની દીકરી સાથે એક યુવક ભગાડી ગયો હતો. આ યુવકે આ પરણિતા પર તેની મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. આ આરોપીને પાવીજેતપુરના પોલીસ તામીલનાડુના એક ગામમાંથી પકડી લાવી છે.
સમગ્ર ઘટનાક્રમઃ પાવીજેતપુર તાલુકાના એક ગામની પરિણીતા પોતાની દીકરી સાથે ગત 1 માર્ચના રોજ પોતાના ગામથી વડોદરા જવા નીકળી હતી. બોડેલી આવતા પાણી લેવા માટે દીકરી સાથે બસમાંથી ઊતરી હતી. પાણી લીધા બાદ બસમાં જવા માટે પાછળ ફરતા દીકરી જોવા મળી ન હતી, જેથી પરિણીતાએ દીકરી બસમાં હશે સમજીને બસમાં જોવા જતાં દીકરી જોવા મળી ન હતી. એટલે તેણી પાછી બસમાંથી નીચે ઉતરીને જોતા બસની બાજુમાં મોટી બૂમડી ગામનો ભરત રાઠવા કે જે પરિણીતાના પતિના મિત્ર હતો તે પોતાની મોટર સાયકલ લઈને ઊભો હતો. ભરતે જણાવ્યું કે, તારે તારી દીકરી જોઈતી હોય તો મારી સાથે મોટર સાયકલ પર બેસી જા. પરિણીતા ભરતની મોટર સાયકલ પર બેસી ગઈ હતી અને ભરત મોટર સાયકલ જાંબુઘોડા રોડ પર લઈ ગયો હતો.
કોણે આપ્યો સાથ?: આ રોડની બાજુમાં મોટી બુમડી ગામનો યોગેશ નામનો યુવક પરિણીતાની દીકરીને લઈને ઊભો હતો. ત્યાં પહોંચતા જ એક વાન આવી. વાનમાં ભરતના મિત્ર પિયુષ અને પ્રકાશ આવ્યા હતા. આ વાન આવતા જ યોગેશ પરિણીતાની દીકરીને લઈને વાનમાં બેસી ગયો હતો, અને ભરતે પરિણીતાને તારી દીકરી જોઈતી હોય તો વાનમાં બેસી જા કહીને પરિણીતાને વાનમાં બેસાડી રાજપીપળા, મહારાષ્ટ્ર નંદુરબાર લઈ ગયા હતા. ત્યાંથી ભરતના મિત્રો યોગેશ, પિયુષ તથા પ્રકાશ પરત જતા રહ્યા હતા. ભરત પરિણીતા અને તેની દીકરીને લઈને બસમાં અલગ અલગ સ્થળો બાદ આંધ્રપ્રદેશના કરનુલ પહોંચ્યો હતો. ત્યાં ત્રણેય એક જૈન મંદિરમાં રોકાયા હતા. જો કે ભરતને ત્યાં કોઈ કામ ન મળતા ત્યાંથી રાજકોટ ખાતે ભરતના સંબંધીને ત્યાં એક અઠવાડિયું રોકાયા હતા. ત્યાંથી ત્રણેય કચ્છ અને સુરત ખાતે એકાદ મહિનો રોકાયા હતા.
અંતે પહોંચ્યા તમિલનાડુ: સુરતથી ટ્રેનમાં બેસીને ત્રણેય જણ તામીલનાડુ ખાતે પહોંચ્યા હતા. ત્યાં એક જૈન મંદિરમાં રોકાયા હતા, જ્યાં ભરત પરિણીતાને એક રૂમમાં પૂરી રાખતો હતો અને દીકરીને માર પણ મારતો હતો. ત્યાં રૂમમાં પરિણીતા સાથે રાતના સમયે અવાર નવાર પરિણીતાની મરજી વિરૂદ્ધ બળાત્કાર કરતો હતો.
કેવી રીતે નસીબે આપ્યો સાથ?: ગત 28 મેના રોજ ભરત પોતાનો મોબાઈલ ભૂલથી રૂમ ઉપર મૂકીને જતો રહેતા પરણીતાએ પોતાના પતિને ફોન કર્યો હતો. પરિણીતાના પતિએ પાવીજેતપુરના પોલીસને જાણ કરી હતી. છોટા ઉદેપુરના એએસપી ગૌરવ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પાવીજેતપુર પોલીસની ટીમ દ્વારા મોબાઈલ લોકેશન મેળવી તામીલનાડુ જવા નીકળી હતી. લોકેશન આધારે તામીલનાડુના ગુડીયાથામ ખાતે પહોંચીને ભરતને ઝડપી પરિણીતા અને તેની દીકરી સાથે પાવીજેતપુર લઈ આવી પરણીતાની ફરિયાદના આધારે ભરત અને તેના મિત્રો યોગેશ,પિયુષ અને પ્રકાશ સામે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.