છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામની પ્રસુતાને ઝોળીમાં ઉંચકી હોસ્પિટલ લઇ જતાં મોત નીપજવા બાબતે, ગુજરાત હાઇકોર્ટે સૂઓમોટો પિટિશન દાખલ કરી રાજય સરકારને નોટિસ આપતા જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવા પરિવારની મુલાકાત લઇ સાત્વના પાઠવી હતી. તુરખેડામાં આ ઘટના પછી ગઈકાલે ફરી એક પ્રસુતાને દુખાવો થવા લાગ્યો હતો. જેને લઈને હવે 17 વર્ષ પછી પહેલીવાર અહીં એમ્બ્યુલન્સ આવી હતી. 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. જોકે હાલ સરકારે રસ્તો મંજુર કરી દીધો છે પરંતુ ઉબડખાબડ રસ્તામાં એમ્બ્યુલન્સને ફરી ધક્કા મારવા પડ્યા હતા. પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતી થઈ ગઈ હતી અને તેણે દીકરીને જન્મ આપ્યો હતો. જોકે સદનસીબે બંને હેમખેમ હોવાથી ગામના લોકો પણ ખુશ થઈ ગયા હતા.
શું છે કવાંટ તાલુકાના આ ગામની મુશ્કેલીઓ
ગુજરાતનો સરહદી જિલ્લો છોટાઉદેપુર, જેમાં કવાંટ તાલુકાના હાફેશ્વર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ તુરખેડા ગામ નર્મદા નદીના કિનારે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલું છે. પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અને પ્રકૃતિના ખોળે વસતા તુરખેડા ગામના ખેઈડી ફળીયા, બુડણી ફળીયા, હાંડલા બારી ફળીયા, ઘીરમિટીયા આંબા ફળીયા, બસકરીયા ફળીયામાં આદિવાસી સમાજના પરિવારો વર્ષોથી નિવાસ કરી રહ્યા છે. હાલ કુલ અંદાજિત 2 હજાર ની વસ્તી ધરાવે છે પરંતુ આ ગામ લોકો માટે નથી રોડ રસ્તો, કે નથી શિક્ષણની સુવિધા કે નથી આરોગ્યની સુવિધા જેણે લઈને આ ગામના લોકો કુદરતના ભરોસે જીવવા પર મજબુર બનવું પડતું છે અને પહાડી પ્રદેશમાં વસતા આદિવાસીઓ આઝાદીના 77 વર્ષ બાદ પણ સુવિધાઓથી વંચિત જેવું જીવન જીવવા પર મજબુર બનવું પડયું છે.
7 પર્વત ચઢો-ઉતરો ત્યારે વાહન મળે
તુરખેડા ગામના ઘીરમિટીયા આંબા ફળીયા, બસકરીયા ફળીયા ડુબણી ફળીયાના, હાંડાલા બારી ફળીયા ના લોકોને રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ પણ નસીબમાં નથી. આ ગામ સુધી જવા માટેનો 7 કિલોમીટરનો રસ્તો હજી સુધી બન્યો જ નથી. આ ગામના ચાર ફળીયામાં શિક્ષણની કોઈ સુવિધા નહીં હોવાના કારણે અહીંના મોટા ભાગના લોકો નિરક્ષર છે. સાથે જ રોડ રસ્તાની સુવિધા નહીં હોવાના કારણે કોઈ બીમાર પડે તો ઝોળીમાં ઉંચકી સાત પર્વતો ચઢી-ઉતરીને ખડલા સુધી પહોંચે, પછી વાહન મળે છે.
શું બની હતી આ ગામની કરુણ ઘટના
તારીખ 1લી ઓક્ટોબરની મધરતે તુરખેડા ગામના બસકરીયા ફળીયામાં રહેતા કવિતાબેન કિશનભાઇ ભીલને પ્રસૂતીની પીડા ઉપડતા ફળીયાના લોકો ભેગા મળી ઝોળીમાં ઉંચકી હોસ્પિટલ લઇ જતી વેળાએ બે કિલોમીટર જતાં રસ્તામાં જ કવિતાબેનનું મોત નીપજ્યું હતું. જે અંગેના અહેવાલો મીડિયાના માધ્યમોમાં પ્રસિદ્ધ થતા નામદાર હાઇકોર્ટ સૂઓમોટો પિટિશન દાખલ કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફાટકરતા જિલ્લાનું વહીવટી તંત્ર સફાડું દોડતું થયું છે અને હાઇકોર્ટ માં 17 મી ઓક્ટોબરે સુનાવણી રાખી છે, ત્યારે આજે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના કાર્યકરતા સાથે તુરખેડા ગામના બસ્કારીયા ફળિયા ખાતે પહોંચી પીડિત પરિવારને 51 હજારની આર્થિક મદદ કરી પરિવારને સાત્વના પાઠવી હતી. જોકે ખખડધજ રસ્તે ચૈતર વસાવા યહાંમોંગીના મંદિર સુધી કારથી પહોંચ્યા હતા, જ્યાં તેઓની કારને પંચર થતાં, બાઈક પર બેસી બસકરીયા ફળીયા પહોંચ્યા હતા. જોકે ચૈતર વસાવા પહોંચે એ પહેલા પૂર્વ વિપક્ષ સુખરામ રાઠવા પીડિત પરિવારના ઘરે પહોંચી સાત્વના પાઠવી હતી.
ગુજરાત રાજ્યની સરહદે, આવેલા ગામડાઓના વિકાસ માટે બોર્ડર વિલેજની સરકારની વિશેષ ગ્રાન્ટ ફળવવામાં આવે છે તેમ છતાં આ ગામમાં રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી, જેવી બુનિયાદી સિવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં નહીં આવતા ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ માટે પ્રબળ માગ કરી હતી.
આ અંગે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી છે અને 51,000 (એકાવન હાજર રૂપિયા) ની સહાય ચૂકવી ગામના લોકો સાથે પણ મુલાકાત લીધી છે અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.
“તુરખેડા ગામે રોડ- રસ્તા ન હોવાના કારણે, આરોગ્યની સુવિધા ન હોવાને કારણે સગર્ભાને ઝોળીમાં નાખી દવાખાને લઇ જતા હતા ત્યારે, ઈમરજન્સી સારવાર ન મળતા, મહિલા અડધે રસ્તે જ મૃત્યુ પામી હતી ત્યારે અમે ઘણા દુઃખી છે ” અને આ “આદિવાસી સમાજ માટે બહુ આઘાતજનક, શરમજનક, હ્રુદયદ્રાવક ઘટના છે. આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે જે ખુબજ શરમજનક ઘટના છે. અહીંથી નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ, એ જ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધ માં વિસ્થાપિત થયા છે “ - ધારાસભ્ય, ચૈતર વસાવા
વર્ષો પછી આવેલી એમ્બ્યુલન્સને પણ પડી મુશ્કેલી
હાઇકોર્ટની સૂઓમોટો નોટિસ પછી તુરખેડા ખાતે પ્રસૂતા મહિલાના મોત બાદ પહેલી વખત 108 પહોંચી હતી અને કાચા અને પથરાળ રસ્તાને કારણે 108 ફસાઈ ગઈ હતી. જોકે 108 એમ્બ્યુલન્સ ફસાતા સ્થાનિક લોકોએ ધક્કા મારીને 108 ને ટેકરા ચઢાવી રવાના કરી હતી.
તુરખેડા ખાતે પહેલી વખત આજે સગર્ભા મહિલાને લેવા 108 પહોંચી
આ પહેલી વખત 108 એમ્બ્યુલન્સ ગામના મંદિર સુધી પહોંચતા મહિલાને સમયસર પ્રાથમિક સુવિધા મળી છે અને 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ થતા માતા અને પુત્રીનો આબાદ બચાવ થયો છે. ત્યારે આઝાદીના 77 વર્ષ બાદ 108 એમ્બ્યુલન્સ તુરખેડા ગામે પહેલીવાર પહોંચેલી અને 108 એમ્બ્યુલન્સ ફસાઈ અને 108 એમ્બ્યુલનસે માતા પુત્રીનો જીવ બચાવ્યો છે.