ભરુચ: ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલા તાલુકા સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને 5 જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકસ્મિક ચેકિંગ: જેલરની કેબિનમાં પણ મોબાઈલ ફોન મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા જેલ સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચ SOG પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરી અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પોલીસે 5 મોબાઈલ કબ્જે કર્યા: પોલીસે ચેકીંગ દરમિયાન જેલર વિપુલ સોરઠીયાની ઓફિસની પહેલા આવેલા રૂમમાં 8 કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોઅરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે રૂ.40 હજારની કિંમતના કુલ 5 મોબાઈલ કબ્જે કર્યા હતા.
આરોપીઓ સામે ગુનો દાખલ: પોલીસે આ મામલામાં NDPS એકટના ગુનામાં સંડોવાયેલા ચિંતન પાનસુરીયા, અપહરણના ગુનામાં સંડોવાયેલા ભૌતિક લુણગરીયા, વિપુલ ભાદાણી, દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પાસે મોબાઇલ ક્યાંથી આવ્યા તે એક તપાસનો વિષય છે. ત્યારે આ મામલે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
સબજેલમાં અનેક વાર મોબાઇલ મળ્યા: આ ગંભીર પ્રકારના ગુના આચારનાર આરોપીઓ સબજેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ ભરૂચ સબજેલમાંથી પણ અનેકવાર મોબાઇલ ફોન મળી આવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે. હાલ તો બનાવ અંગે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મોબાઈલ ફોન જેલમાં પહોંચ્યા કેવી રીતે તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: