સુરત: કોમન યુનિવર્સિટી એક્ટના ફાઈનલ ગેજેટમાં પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવાયા છે. જેમાં હાલ યુનિવર્સિટીમાં ચાલતી દંડની જોગવાઈઓમાં 5 ગણો વધારો કર્યો છે. જેમાં 2500 રૂપિયાથી લઈને 10,000 સુધીના નાણાકીય દંડની પણ જોગવાઈ કરી છે. જેને લઈને આગામી સેમેસ્ટરની જે કોઈ પણ પરીક્ષાઓ યોજાશે. તેમાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓમાં નાણાકીય દંડનો પણ ડર રહેશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીના સ્ટ્રોગ રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. તો તેનું 1 વર્ષનું પરિણામ રદ કરી દેવામાં આવશે. તેમજ વિદ્યાર્થી પરીક્ષા પણ નહી આપી શકે, આ ઉપરાંત વિદ્યાર્થી પર પોલીસ કેસ પણ થઈ શકે છે.
કોમન એક્ટમાં પીએચડીમાં થતી સાહિત્ય ચોરી એટલે કે થીસિસ કોઈનામાંથી ઉઠાંતરી કરતા રોકવા માટે પણ સજાનો જોગવાઈ કરી છે. જેમાં જો સાહિત્યચોરી યુનિવર્સિટી દ્વારા પકડાશે તો યુનિવર્સિટી પીએચ.ડી.ની ડિગ્રી પરત લઈ શકશે.
અભદ્ર ભાષા કે ધમકી આપી તો પોલીસ કેસ થશે: જો વિદ્યાર્થીએ આન્સરશીટમાં અભદ્ર ભાષા કે ધમકી તેમજ હોલમાં હિંસા આચરી હશે. તો તે વિદ્યાર્થીને 10,000 રૂપિયા નાણાકીય દંડ તેમજ પોલીસ કેસ પણ થઈ શકે છે અને MPECની ભલામણથી સમગ્ર સેમેસ્ટરનું પણ પરિણામ રદ કરી શકે છે. તેવી જ રીતે યુનિવર્સિટીના સીલ. આન્સરબુક સાથે છેડછાડ કરી હશે. તેમજ પ્રતિબંધિત સ્ટેશનરીનો ઉપયોગ કર્યો હશે તો વિદ્યાર્થી તાત્કાલિક પરીક્ષા નહી આપી શકે. તેમજ 10,000 રૂપિયાનો દંડ પણ થશે. આ ઉપરાંત પોલીસ કેસની પણ જોગવાઈ કરવામાં આવી છે.
દંડની રકમ વધારવાથી ગેરરીતિ પર અંકુશ આવશે: નર્મદ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કાર્યકારી કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગેરરીતિ પર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા દંડની જોગવાઈ વધારી છે.