પંચમહાલઃ જિલ્લાના બે અલગ અલગ વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસના કેસો મળી આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા કેસો મળી આવેલા ગોધરાના કોટડા ગામે અને ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં કોટડા ગામેથી ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની 19 શંકાસ્પદ માખીઓ મળી આવતા પરીક્ષણ અર્થે મોકલવામાં આવી હતી.
પંચમહાલમાં 2 શંકાસ્પદ કેસઃ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નાના બાળકોમાં ચાંદીપુરા નામનો જીવલેણ વાયરસ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાંથી પણ એક બાદ એક 2 અલગ-અલગ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ જોવા મળ્યો હતો. હાલમાં બંને બાળકીઓનું સારવાર બાદ મૃત્યુ નિપજ્યું છે. ગોધરા તાલુકાના કોટડા ગામની 4 વર્ષીય બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જે બાળકીનું સારવાર બાદ વડોદરાની હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય કેસ ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામેથી મળી આવ્યો હતો. જે 9 વર્ષીય બાળકીનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું.
આરોગ્ય વિભાગ સતર્કઃ પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. બંને જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કોટડા ગામની મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની સર્વેલન્સની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. ગોધરા તાલુકાના કોટડા ગામેથી ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની 19 માખીઓ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 19 પૈકીની 4 માખીઓ મૃતક બાળકીના ઘરમાંથી મળી આવી હતી. હાલ તમામ માખીઓને પૂના ખાતે આવેલી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવી છે. સાથે જ કોટડા ગામના મોટાભાગના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી જારી રાખવામાં આવી છે.