સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ 2 ચાંદીપુરા વાયરસના કેસનું પરિણામ પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં હડકંપ સર્જાયો છે. જોકે જિલ્લામાં અત્યાર સુધીમાં 16 જેટલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી 4ના પરિણામ પોઝિટિવ આવ્યા છે અને 6 બાળકોના મૃત્યુ થયા છે. હજુ 6 બાળકો પૈકી 3 બાળકો સારવાર હેઠળ છે. જેમાં 1ની સ્થિતિ ગંભીર છે.
2 બાળકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો: સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઈડરના સદાતપુરા તેમજ લાલોડા ગામના 2 બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. જો કે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 16 જેટલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પૈકી 14 જેટલા ચાંદીપુરા વાયરસના રિપોર્ટ જાહેર કરાયા છે. જેમાં વધુ 2 કેસનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. જો કે આજે જે 2 બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમની સ્થિતિ મધ્યમ બતાવવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરાઇ: જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રેયર પંપ અને ફોગિંગ દ્વારા ચાંદીપુર વાયરસ માટે જવાબદાર માખીનો નાશ કરાઈ રહ્યો છે. જેના માટે જિલ્લાભરના આરોગ્ય વિભાગના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. સાથોસાથ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકો માટે પણ તંત્ર દ્વારા પાયારૂપ સુવિધા સાથે સારવાર અપાઈ રહી છે. જો કે વહીવટી તંત્ર દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાની જરૂરિયાત છે. ત્યારે આગામી સમયમાં આ મામલે પગલાં નહીં ભરાય તો સાબરકાંઠા જિલ્લામાં પણ આગામી સમયમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધી શકે તેમ છે.