જૂનાગઢ: આગામી 15મી ઓગસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં ફરી એક વખત ખૂબ સારા વરસાદની શક્યતા ઊભી થશે. તેવી શક્યતા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મધ્યમથી હળવા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.
જુલાઈ મહિનામાં વરસાદ મધ્યમ રહેવાનું અનુમાન: અષાઢી બીજનો તહેવાર પૂર્ણ થયો. ત્યારે દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા અષાઢી બીજને લઈને પૂર્વાનુમાન વરસાદને લઈને વ્યક્ત કર્યો છે. જેમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને કારણે અષાઢી બીજ જોઈ શકાઈ ન હતી. તો કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે બીજ જોવા મળી હતી. તેના પરથી એવું નિષ્કર્ષ કાઢવામાં આવે છે કે, જુલાઈ મહિના દરમિયાન વાદળછાયા વાતાવરણની વચ્ચે મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા વ્યક્ત કરવા આવી છે. સમગ્ર જુલાઈ માસ દરમિયાન ધાબડિયું વાતાવરણ એટલે કે વાદળ આચ્છાદિત આકાશ જોવા મળે પરંતુ વરસાદની શક્યતા ખૂબ ઓછી જોવા મળી શકે છે.
વરસાદની ટ્રેપરેખા કેરળથી દક્ષિણ ગુજરાત તરફ: ચોમાસાની વરસાદી ટ્રેપરેખા કેરળથી દક્ષિણ ગુજરાત સુધી લંબાયેલી જોવા મળે છે. જેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે આવનારી તારીખ 15 સુધીમાં મધ્યમ વરસાદથી હળવા ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વધુમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા પણ જોવા મળી શકે છે. ચોમાસુ ધરી સામાન્ય સ્થિતિમાં જોવા મળે છે. જેને કારણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ ધીમે ધીમે સક્રિય બનતી જોવા મળશે. જેથી સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
લા નીનોની અસરથી સારો વરસાદ થશે: દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો પણ અલ નીનોની અસર પૂર્ણ થયા બાદ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. જુલાઈ મહિનામાં 15 થી 20 દિવસ સુધી વરસાદની અચાનક બ્રેક આવશે. ત્યારબાદ ધીમે ધીમે વરસાદી વાતાવરણ સક્રિય બનતું જોવા મળશે અને 18મી ઓગસ્ટ થી 21 મી ઓગસ્ટમાં ખુબ સારો વરસાદ થાય તેવી શક્યતા પણ દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો એ વ્યક્ત કરી છે. અલ નીનોની અસર જુલાઈ માસ પૂર્ણ થતા જ પૂરી થતી જોવા મળશે. ત્યારબાદ લા નીનોની અસર શરૂ થશે. જેને કારણે 15મી ઓગસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.