રાંચી: મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેનના નેતૃત્વમાં રચાયેલી ઝારખંડની નવી સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કર્યો છે. નવી સરકારે વિધાનસભાના વિશેષ સત્રમાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. જ્યારે હેમંત સોરેનના રાજીનામા બાદ ચંપાઈ સોરેને મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા. આ પછી રાજ્યપાલે તેમને ગૃહમાં બહુમત સાબિત કરવા માટે 10 દિવસ આપ્યા હતા. આજે બહુમત સિદ્ધ કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવામાં આવ્યું હતું. આ વિશેષ સત્રમાં ચંપાઈ સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે.
ચંપાઈ સોરેને વિધાનસભામાં પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે તેમની સરકાર પાસે બહુમત છે. આ સંદર્ભે તેમણે બોલાવેલા વિશેષ સત્રમાં તેમણે બહુમત મેળવીને ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. વિધાનસભામાં થયેલા મતદાનમાં શાસક પક્ષને કુલ 47 વોટ મળ્યા જ્યારે વિપક્ષને કુલ 29 વોટ મળ્યા. ભૂતપૂર્વ સીએમ હેમંત સોરેન પણ ફ્લોર ટેસ્ટમાં આ વિશેષ સત્રમાં ભાગ લેવા આવ્યા હતા. ગૃહમાં બહુમતી મળ્યા બાદ મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેન ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા.
ઉલ્લેખનીય છે કે અત્યારે ઝારખંડ મુક્તિ મોરચાના 29, કોંગ્રેસના 17 અને રાષ્ટ્રીય જનતા દળના એક-એક ધારાસભ્ય છે. જેમાં રાષ્ટ્રીય જનતા દળના એકમાત્ર ધારાસભ્ય સત્યાનંદ ભોક્તાએ પ્રધાન તરીકે શપથ લીધા છે. કોંગ્રેસના 17 ધારાસભ્યો છે જેમાંથી આલમગીર આલમે પણ પ્રધાન તરીકે શપથ લીધા છે. ઝારખંડ મુક્તિ મોરચાના 29 સભ્યોમાંથી ચંપાઈ સોરેને મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ ત્રણેય લોકોએ શપથ લીધા અને સરકાર બનાવી અને ત્યારબાદ રાજ્યપાલ દ્વારા તેમને બહુમત સાબિત કરવા માટે 10 દિવસ આપવામાં આવ્યા છે. આ અંગે ઝારખંડ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.