જુનાગઢ : ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન માતાજીની આરાધના ઉપાસના અને તેની પૂજા થતી હોય છે. વિક્રમ સંવતના વર્ષમાં આવતી ચાર નવરાત્રીઓ પૈકી ચૈત્રી નવરાત્રીને માતાજીની ઉપાસના અને આરાધનાની સાથે પ્રખર તપના રૂપમાં પણ ઉજવવામાં આવતી હોય છે.
ચૈત્રી નવરાત્રીની ઉજવણી : ચૈત્રી નવરાત્રી નવ દિવસો દરમિયાન સૌ માય ભક્તો પોતાની આસ્થા અને ઈચ્છા અનુસાર માતાજીનું સ્થાપન અને તેની પૂજા કરતા હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં ખાસ કરીને કિન્નર સમાજ પણ ખૂબ જ આસ્થા સાથે માતાજીના ઘટ સ્થાપન કરતા હોય છે. ત્યારે જુનાગઢમાં પણ કિન્નર સમાજ દ્વારા માતાજીનું સ્થાપન કરીને ચૈત્રી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે.
કિન્નરો આધ્યાશક્તિના પ્રખર ઉપાસક : કિન્નરોને મા આદ્યશક્તિના પ્રખર ઉપાસક અને સાધક માનવામાં આવે છે. કિન્નરોને જગદંબાના સ્વરૂપ સમાન પણ ઓળખવામાં આવે છે. ત્યારે કિન્નર સમાજ દ્વારા દર વર્ષે ચૈત્રી નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના ઘટ સ્થાપનની સાથે આરતી પૂજા અને નવમા દિવસે બાળાઓના ભોજન પ્રસાદ સાથે નવરાત્રીની પૂર્ણાહુતિ કરતા હોય છે. આ નવ દિવસો દરમિયાન પ્રત્યેક કિન્નર પોતાની એક મનોકામના સાથે માતાજીની આરાધના કરતા હોય છે.
સુખશાંતિ અને ભાઈચારાની પ્રાર્થના : જૂનાગઢના કિન્નર પિંકી માસી દ્વારા પણ જુનાગઢ વાસીઓનું કલ્યાણ થાય સમગ્ર ગુજરાતની સાથે દેશમાં સુખશાંતિ અને ભાઈચારાના માહોલનું સર્જન થાય તે માટે ઘરમાં માતાજીનું સ્થાપન કર્યું છે. અને દરરોજ સવાર અને સાંજ માતાજીની પૂજાની સાથે મહાઆરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે.