નર્મદાઃ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે થયેલ મારપીટના કેસમાં આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા, પી.એ. જીતેન્દ્ર વસાવા સહિત અન્ય 2 આરોપીઓ જેલમાં હતા. તાજેતરમાં 48 દિવસ બાદ ચૈતર વસાવાને જામીન મળ્યા અને તેઓ જેલ મુક્ત થયા હતા. ગઈકાલે તેમના ધર્મ પત્ની ધર્મ પત્ની શકુંતલા વસાવા અને તેમના પી. એ. જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને જામીન મળતા આ તમામ આજે 90 દિવસ બાદ જેલ મુક્ત થયા.
ભાજપનું ષડયંત્રઃ જેલની બહાર શકુંતલા વસાવાનું સમર્થકો અને ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા તેમજ બાળકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શકુંતલા વસાવાએ જેલની બહાર નીકળીને મીડિયામાં નિવેદન આપ્યું હતું. શકુંતલા વસાવાએ આ આખા કેસને ભાજપનું ષડયંત્ર જણાવ્યું હતું. તેમણે લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા ન લડી શકે તે માટે ભાજપે કાવતરુ રચીને જેલમાં મોકલ્યા હોવાનું જણાવ્યું હતું.
ખોટી રીતે અમારા પર કેસ કરવામાં આવ્યો છે જે સમયે ઘટના બની ત્યારે હું ત્યાં જ હતી આવું કંઈ બન્યું જ નથી. ખોટો કેસ કરીને અમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા, પણ આખરે સત્ય ની જીત થઈ છે અને અમે જેલ બહાર આવ્યા છે...શકુંતલા વસાવા(ચૈતર વસાવાના પત્ની)
લોકસભા ચૂંટણીની તૈયારીઓઃ જેલ મુક્ત થયેલા શકુંતલા વસાવા પૂરી તાકાતથી લોકસભાની ચૂંટણી લડવાનું જણાવે છે. તેમને સમર્થકોનો પૂરો સાથ સહકાર હોવાનો વિશ્વાસ છે. ભાજપે રચેલા ષડયંત્ર બાદ તમામ મતદારોમાં વસાવા કુટુંબ પ્રત્યે સહાનુભૂતિ વધી હોવાનું આમ આદમી પાર્ટીના સૂત્રો માની રહ્યા છે. હવે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે તેઓ ભરુચ કે નર્મદામાં જઈ શકે તેમ નથી. તેથી તેમના બંને પત્ની, સમર્થકો, આદિવાસી આગેવાનો અને પક્ષના કાર્યકરો સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનો મનસૂબો ધરાવે છે.
મને બાળકો પુછતા ત્યારે બહુ કપરી સ્થિતિ થતી હતી. હું 4થી 5 દિવસ કહું ત્યારબાદ દિવસ વીતતા તેઓ ફરીથી મને પુછતા કે મમ્મી અને પપ્પા કયારે આવશે. ભાજપે જે ષડયંત્ર કર્યુ છે તેનો બદલો અમે લોકસભા ચૂંટણીમાં અવશ્ય લઈશું...વર્ષા વસાવા(ચૈતર વસાવાના બીજા પત્ની)