નર્મદાઃ ડેડીયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે આજનો દિવસ જેલમુક્તિનો રહ્યો. 48 દિવસની કેદ ભોગવીને ચૈતર વસાવા આજે બહાર આવ્યા હતા. વસાવાને આવકારવા મોટી સંખ્યામાં તેમને સમર્થકો ઉમટી પડ્યા હતા. સમર્થકોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. ચૈતર વસાવાએ સમર્થકોનું અભિવાદન જીલીને ભાજપની ન ડરવાનું નિવેદન આપ્યું હતું.
શરતી જામીન પર મુક્તિઃ રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં વસાવાના પત્ની સહિતના 3 આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી ધારાસભ્યએ જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે આજે આજે ગુરુવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવ્યા હતા. ચૈતર વસાવાને શરતી જામીન પર મુક્તિ મળી છે. આ જામીનની શરત અનુસાર તેઓ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. અત્યારે હાલ ચૈતર વસાવાએ પોતાનું નવું સરનામું ગાંધીનગરને બનાવ્યું છે.
સમર્થકો ઉમટી પડ્યાંઃ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટા થાય એ પહેલાં જ સમર્થકોનો ઠેર-ઠેર જમાવડો થઈ ગયો હતો. જેને લઈ કોર્ટનો ઓર્ડર લઈને જેલરને આપવા નીકળેલા ચૈતર વસાવાનાં પત્ની વર્ષાબેન સહિત સમર્થકોને બિતાડા ચોકડી પાસે પોલીસે એક કલાકથી અટકાવ્યા હતા. ત્યારબાદ ફક્ત તેમનાં પત્નીને મંજૂરી આપતા તેઓ બાળકો સાથે જેલમાંથી ચૈતર વસાવાને લઈ બહાર આવ્યાં હતાં. ચૈતર વસાવાની એક ઝલક જોવા મોટી સંખ્યામાં સમર્થકોનો ઉમટી પડ્યા હતા. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચૈતર વસાવા બહાર આવતા જ સમર્થકોએ ફૂલહારથી સ્વાગત કર્યું. "ચૈતર વસાવા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ"ના નારા લગાવ્યા હતા. ચૈતર વસાવાએ પણ ગાડીની બહાર આવીને સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મને અને મારા પરિવારને રાજકીય ષડ્યંત્રનો શિકાર બનાવવામાં આવ્યા છે. છેલ્લા 3 મહિનાથી મારાં ધર્મપત્ની જેલમાં છે. જ્યારે મને નામદાર સેશન કોર્ટે શરતી જામીન આપ્યા છે. જેને અમે આવકારીએ છીએ. આગામી દિવસોમાં અમે આ શરતોને હટાવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા, આદિવાસીઓ માટે અમે અવાજ ઉઠાવીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી. ફોરેસ્ટના અધિકારીઓએ મારા વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમને ખબર હોવી જોઈએ કે, આદી કાળથી આ આદિવાસી જંગલમાં જ વસવાટ કરે છે. આ જળ, જંગલ અને જમીન એ આદિવાસીઓના છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે. અમને જેલ કરી છે એટલે એટલી જ બમણી તાકાતથી લડીશું. અમે ક્યારેય ભાજપ સરકારથી ડરવાના નથી...ચૈતર વસાવા (આપ ધારાસભ્ય, ડેડીયાપાડા)