વડોદરા: ગુજરાતના કાશી તરીકે પ્રસિધ્ધ ડભોઇ તાલુકાનાં કાયાવરોહણ ખાતે લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેવી રીતે તીર્થ સ્થાનોમાં કાશીનું મહત્વ છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કાયાવરોહણ ખાતે આવેલ લકુલીશ મહાદેવનું મંદિર એ બીજા કાશી તરીકે સુપ્રસિદ્ધ છે. આ મહાદેવ મંદિરમાં શ્રધ્ધાળુઓને અપાર શ્રદ્ધા પણ રહેલી છે અને મંદિરે ભક્તિ ભાવથી કરેલ પૂજા અર્ચનાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ મંદિરનો સોનેરી ઇતિહાસ પણ કંઈક અનેરો છે.
મંદિર પરિસરને લાઈટોથી શણગારવામાં આવ્યું: મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વને લઈ મંદિરને સાફ સફાઈ અને રંગરોગાન કરી, લાઇટ ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યું હતું અને શ્રધ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી, પૂજા અર્ચના કરી શકે તે માટે આગોતરું આયોજન પણ કરી સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં પ્રભુનાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મંદિર પાસે ભરાયેલ ભાતીગળ મેળામાં સામેલ થઈ ધન્યતા અનુભવી હતી.
કાયાવરોહણ ચાર યુગોથી જાણીતું: દભૉવતિ નગરીથી નજીક આવેલ કાયાવરોહણ ચારયુગોથી જાણીતું છે. સતયુગમાં ઈચ્છાપૂરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્રાપરયુગમાં મેઘાવતી , કળિયુગમા (કરવણ) કાયાવરોહણ તરીકે જાણીતું છે. ભગવાન રામના સમય દરમિયાન, મહાન ઋષિ વિશ્વામિત્રએ મેઘાવતીને કાશીની સમાંતરની સ્થિતિમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. જે મુક્તિ પ્રાપ્ત કરવા માટેના સ્થળોમાં સૌથી પવિત્ર સ્થાન તરિકે પ્રખ્યાત છે. અહીં ૠષિ વિશ્વામિત્રને ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો હતો. અહીંથી જ ગાયત્રી મંત્ર શરૂ થયો અને ફેલાયો હતો. દ્વાપર યુગના નબળા વર્ષોમાં, ભગવાન શ્રીકૃષ્ણના અવતાર દરમિયાન, ભગવાન લકુલિશ અહીં પ્રથમ પ્રગટ થયા હતા. તે સમયથી, આ સ્થાન કાયાવરોહણ તરીકે જાણીતું બન્યું. તેનો અર્થ એ છે કે, ભગવાન શિવ પોતે અહીં માનવ શરીરમાં ઉતર્યા છે. અહીં મહાન ઋષિ ભૃગુ અને ઋષિ અંગરી દ્વારા કરવામાં આવેલી તપસ્યા માટે પણ જાણીતું હતું. તે ગાયત્રી મંત્ર, રામ મંત્ર, તેમજ પાંચ અક્ષરમંત્ર, ઓમ નમઃ શિવાયની પ્રાપ્તિ માટેનું સ્થાન પણ છે.