રાજકોટ: ધોરાજી તાલુકાના મોટીમારડ અને ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામ એમ બે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ રસ્તો પાણીમાં ગરકાવ થતા બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને છોડતો આ રસ્તો સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે. તેના પરિણામે આ બંને ગામ વચ્ચે આવન-જાવનના રસ્તામાં પરિવહન કરતાં રાહદારીઓને લાંબુ અંતર કાપીને આવન-જાવન કરવું પડે છે.
14થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો: સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ પંથકમાં આવેલ મોટીમારડ ગામની ઉપર આવેલ નેસડાનો માર્ગ, તરાવડીનો માર્ગ, મજેવડીનો માર્ગ અને ઉદ્કીયાનો માર્ગ આવેલ છે. આ માર્ગ વિસ્તારની અંદર અંદાજે 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જે બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં છેલ્લા 20 વર્ષની અંદર આ પ્રકારની ક્યારેય પરિસ્થિતિ જોવા મળી નથી અને 20 વર્ષ બાદ આટલું પાણી આવ્યું છે. જેના પરિણામે ત્રણ જેટલા તળાવો તૂટી ગયા છે.
1500 વીઘા જમીનમાં નુકસાની થઇ: આ ત્રણ તળાવની અંદર મારડિયાના માર્ગનો કોઝ-વે અને સુખનાથ તરફ આવેલ તળાવ તૂટી ગયું છે અને સુખનાથની સામેના વિસ્તારમાં આવેલ તળાવ તૂટી ગયું છે. આ વરસાદની સાથે સાથે વોકરા તેમજ તળાવ કાંઠા વિસ્તારની અંદર આવેલી ખેતીની અંદાજિત 1200 થી 1500 વીઘા જેટલી જમીનની અંદર નુકસાની થઈ છે અને ધોવાણ થવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે.
નદી- વોકળા બે કાંઠે વહેતા થયા: ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાં વહેલી સવારથી જ શુક્રવારે વરસાદ શરૂ થયો હતો. જેમાં આ શુક્રવાર તેમજ ગુરૂવારના પડેલા વરસાદને લઈને ધોરાજી-ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોના તળાવો, નદીઓ, નાળાઓ, વોકળાઓ બે કાંઠે વહેતા થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ: આ ધોધમાર વરસાદને લઈને નદી-નાળા અને વોકળાના તળાવના પાણીઓ નિકાલ ન થતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને આ ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં ઉભા મોલને નુકસાની થવાની સંભાવનાઓ રહેલી છે. ત્યારે આ મામલે નુકસાન થયેલા વિસ્તારનો સર્વે કરાવી સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સ્થાનિકોએ માંગ કરી છે.